Surat: સારોલીની શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં આગ લગાડનાર એકાઉન્ટન્ટ ઝબ્બે, શેઠે પગાર ના આપતા પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી હતી

સારોલી સ્થિત શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટમાં રૂ.24 કરોડના નુકસાનવાળી આગના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે પૂર્વ એકાઉન્ટન્ટ વિનોદની ધરપકડ કરી છે. રૂ.10 હજારનો બાકી પગાર ચૂકવવામાં આનાકાની કરી રહેલા શેઠને સબક શીખવવા માટે વિનોદે આગ લગાડી હોવાનું કબૂલ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Sep 2026 07:25 PM (IST)Updated: Mon, 21 Sep 2026 07:25 PM (IST)
surat-shyam-sangini-textile-market-fire-disgruntled-accountant-arrested-for-arson-over-unpaid-salary

Surat Saroli Textile Market Fire: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા સાંપડી છે. જેમાં થોડા દિવસ પહેલા સારોલી સ્થિત 'શ્યામ સંગીની ટેક્સટાઈલ' માર્કેટમાં આગ લગાડનાર આરોપી એકાઉન્ટન્ટ ઝડપી પાડ્યો છે. શેઠે પગાર ના ચૂકવતા તેમને સબક શીખવવા માટે એકાઉન્ટન્ટે આગ લગાડી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં આગથી રૂ. 24 કરોડનું નુકસાન

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 9 સપ્ટેમ્બરના રોજ સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટના છ્ઠ્ઠા માળે આગ ભભૂકી ઉઠી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેના કારણે ફાયર વિભાગની ટીમને આગ પર કાબુ મેળવવામાં 24 કલાક કરતાં પણ વધુ સમય લાગ્યો હતો. આ ઘટનામાં રૂ. 24 કરોડનું નુકસાન થયું હતુ. તેમજ બિલ્ડિંગના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતુ.

આ સમગ્ર કેસની તપાસ કરી રહેલી પોલીસને CCTV હાથ લાગ્યા હતા. જેમાં મોંઢા પર રૂમાલ બાંધીને આવેલો શખ્સ પોતાની બેગમાંથી બોટલ કાઢીને આગ લગડાતો જોવા મળ્યો હતો. આ મામલે સારોપી પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

પગાર આપવામાં આનાકાની કરતાં શેઠને સબક શીખવવા નક્કી કર્યું

આ કેસની તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડીંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી આગ લગાડનાર વિનોદ પંડિત સાવલે (33)ને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં સામે આવ્યું કે, વિનોદે શ્યામ સંગીની માર્કેટમાં જેકોર્પ ઈન્ડિયા અને જગદંબા ટેક્સટાઈલમાં માસિક 30 હજારના પગારે નોકરીએ લાગ્યો હતો. જ્યાં પગારના 10 હજાર રૂપિયા લેવાના નીકળતા હતા.

આ બાકી પગાર માટે તે અવારનવાર શેઠ હનુમાન જવરને ફોન કરીને અને રૂબરૂ મળીને રજૂઆત કરતો હતો. જો કે શેઠ રૂપિયા આપવામાં આનાકાની કરતાં હોવાથી તેમને સબક શીખવવા માટે દુકાનની બહાર આગ લગાડવાનું નક્કી કર્યું હતુ.

જેના માટે દેવધ ગામના પેટ્રોલપંપ પરથી 150 રૂપિયાનો પેટ્રોલ ખરીદીને બેગમાં રાખ્યું હતુ. 8 સપ્ટેમ્બરે રાતે 9 વાગ્યાની આસપાસ શ્યામ સંગીની માર્કેટમાં ગયો હતો અને પાંચમા માળે પગથિયા પર મોડી રાત સુધી બેસી રહ્યો હતો.

રાતે 12 કલાકે માર્કેટ બંધ થઈ ત્યારે પોતાની પાસે રહેલી પેટ્રોલની બોટલ કાઢીને શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરની દુકાનની બહાર પડેલા કાપડના પાર્સલ પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી નાસી છૂટ્યો હતો.

આ મામલે પોલીસ ફરિયાદ થતાં પત્ની અને બાળકોને લઈને સુરત છોડી દીધુ હતુ. તે રાજસ્થાન સ્થિત ખાટુ શ્યામ મંદિર પહોંચ્યો હતો અને ત્યાંથી અયોધ્યા ભાગી ગયો હતો. જ્યાંથી સુરત પરત આવતા જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપીને પુરો પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો. તેની કામગીરી નબળી હતી અને તેણે જાતે જ નોકરી છોડી હતી. તેને નોકરીમાંથી કાઢી નહતો મૂકાયો.