Surat Rickshaw Strike: તાજેતરમાં જ CNG ગેસના ભાવમાં ઝીંકાયેલા વધારાની સીધી અસર હવે પરિવહન સેવા પર જોવા મળી રહી છે. ગેસના ભાવ વધતા આર્થિક સંકટમાં મૂકાયેલા સુરતના ડિંડોલી વિસ્તારમાં રિક્ષાચાલકોએ આજે વહેલી સવારથી જ અચાનક હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.
મોંઘવારીનો માર: ઘર ચલાવવું મુશ્કેલ બન્યું
સુરતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રિક્ષાઓ દોડે છે, અને મોટી સંખ્યામાં લોકો રિક્ષામાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે. આજે ડિંડોલી વિસ્તારમાં રિક્ષાચાલકોએ હડતાળ પર ઉતરીને સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો. રિક્ષાચાલકોએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે, CNG ભાવ વધારાના કારણે હવે જૂનું ભાડું પોસાતું નથી. મોંઘવારીના કારણે ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે.
ઓઈલ અને સ્પેરપાર્ટનો ભાવ પણ આસમાને
હડતાળમાં જોડાયેલા રીંકુસિંગ નામના રિક્ષાચાલકે જણાવ્યું કે, માત્ર CNG જ નહીં પરંતુ બધી જ વસ્તુઓના ભાવ વધી ગયા છે. જે ઓઈલ અગાઉ 570 રૂપિયામાં મળતું હતું, તે હવે 750 રૂપિયા સુધીમાં મળી રહ્યું છે. રિક્ષાના લગભગ દરેક સ્પેરપાર્ટ્સના ભાવમાં વધારો ઝીંકાયો છે.
રિક્ષાચાલકે વધુમાં ઉમેર્યું હતું કે, રિક્ષામાં 3 લોકોનું જ પાર્સિંગ હોય છે અને 30 રૂપિયાના ભાડામાં ગ્રાહકોને લઈ જઈએ તો CNG નો ખર્ચ પણ માંડ નીકળે છે. આ જ કારણોસર રીક્ષા ચાલકોએ લઘુત્તમ ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવો જરૂરી બન્યો છે.
શું છે રિક્ષાચાલકોની માંગ અને રજૂઆત?
ડિંડોલી વિસ્તારમાં જ રિક્ષા ચલાવતા અન્ય એક ચાલક નરેન્દ્ર રાજપૂતે આ હડતાળને સમર્થન આપતા સ્પષ્ટ કર્યું કે, ગેસના ભાવ વધી ગયા છે ત્યારે અમારી માંગ માત્ર ભાડામાં ૫ રૂપિયા વધારાની જ છે, તે સિવાય અન્ય કોઈ વધારે માંગ નથી.
આ પણ વાંચો: Surat: વેસુમાં 11 મા માળે લિફ્ટ ખોટકાઈ, દંપતી એક કલાક ફસાયું; ફાયર બ્રિગેડે દરવાજો તોડી કર્યું રેસ્ક્યુ
મુસાફરોને બેસાડવાનો સાફ ઇનકાર કર્યો
રિક્ષાચાલકોએ મુસાફરોને બેસાડવાનો સાફ ઇનકાર કરી દેતાં વહેલી સવારે નોકરી-ધંધે અને શાળા-કોલેજ જતા હજારો મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. ગેસના વધતા ભાવ સામે રિક્ષાના લઘુત્તમ ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવે તેવી રિક્ષાચાલકોની પ્રબળ માંગ છે.
