રાજકોટમાં રેપિડો સામે રિક્ષા ચાલકોની હડતાળથી મુસાફરોને હાલાકી, રાતોરાત કમિશનમાં કાપ મૂકતા મોરચો માંડ્યો

રાજકોટના યાજ્ઞિક રોડથી રેપિડોની રિજિયોનલ ઑફિસ સુધી રિક્ષા ચાલકોએ બેનરો અને સુત્રોચાર સાથે રેલી કાઢીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 05 May 2026 07:13 PM (IST)Updated: Tue, 05 May 2026 07:13 PM (IST)
rajkot-auto-drivers-protest-against-rapido-commission-reduction
HIGHLIGHTS
  • વિફરેલા રિક્ષા ચાલકોએ રાજકોટમાં રેપિડોની સેવા ઠપ્પ કરવાનું એલાન

Rajkot: લોકોને ઇન્સ્ટન્ટ મુસાફરીની હાઇટેક સુવિધાથી આદી બનાવ્યા બાદ કમિશન કે ચાર્જ વધારી દેવાની મોડસ ઓપરેન્ડી સર્વિસ એજન્સી-કંપનીઓની હોય છે. ફૂડ સર્વિસ કંપની ઝોમેટો-સ્વીગીનો સૌને આ અનુભવ થયેલો જ છે અને હવે પરિવહન સર્વિસ રેપિડોએ તેમનું પ્રોફિટ માર્જીન વધારવા માટે એકપછી એક પત્તા ખોલવાનું શરૂ કરી દીધુ હોય તેવા વ્યાપક રોષ સાથે આજે રાજકોટમાં રિક્ષાચાલકો રેપિડો સામે વિદ્રોહ પર ઉતર્યા હતા.

રેપિડો રાઇડર(રજીસ્ટ્રેશનધારક) રિક્ષાચાલકોને પ્રત્યેક સવારીદીઠ મળતા કમિશનમાં કોઇપણ પ્રકારનું કારણ આપ્યા વગર કે આગોતરી જાણ કર્યા વગર અચાનક આજથી પ્રતિ કી.મી.રૂ.4નો ઘટાડો કરી નાંખતા રિક્ષાચાલકો રેપિડો હડતાળ પર ઉતર્યા હતા.

રેપિડો સાથે જોડાયેલા હોય તેવા રિક્ષા ચાલકોએ શાસ્ત્રી મેદાનમાં રિક્ષાના થપ્પા લગાવી દીધા હતા. જે બાદ ત્યાંથી યાજ્ઞિક રોડ પર આવેલી રેપીડોની રિજિયોનલ ઓફિસ સુધી બેનર અને સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી.

રાજકોટમાં રેપિડો કંપની સાથે જોડાયને ઓટો ચલાવતા રિક્ષા ચાલકોને કંપની તરફથી અત્યાર સુધી પ્રતિ કી.મી.રૂ.15 કરવામાં હતુ. તેમાથી ઘટાડીને સીધા જ રૂ.12 અને તેમાય રૂ.1નો ઘટાડો કરી રૂ.11 એટલે કે સીધા જ રૂ.4 ઘટાડી નાખવામા આવ્યા છે.

રાજકોટમાં રેપિડોને સેવાની શરૂઆતમાં જ ધારણા કરતા વધુ પેસેન્જર મળવા લાગ્યા છે. તેનો ગેરલાભ લઇને રેપિડો રાઇડર એવા રિક્ષાચાલકોને મળતા કમિશનર ઉપર તરાપ મારવામાં આવી હોવાનો આક્રોશ રેપિડો સાથે જોડાયેલા રીક્ષાચાલકોમાં ભભૂકી ઉઠ્યો છે.

કમિશનર ઘટાડાના વિરોધમાં આજે સવારથી જ રેપિડો રાઇડર રિક્ષાચાલકોએ પૈડા થંભાવી દીધા હતા. શાસ્ત્રી મેદાનમાં રેપિડોમાં ચાલતી રીક્ષાઓના થપ્પાના થપ્પા થવા લાગ્યા હતા. જ્યાં શારીરિક રીતે અશક્ત રિક્ષા ચાલકોને રિક્ષામાં બેસાડીને જ્યારે અન્ય રિક્ષાચાલકોએ યાજ્ઞિક રોડ પર આવેલી રેપીડોની ઓફિસ સુધી બેનર એ સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી.

naidunia_image

રેપિડો રીક્ષાચાલક સંગઠને કરેલા એલાન મુજબ, પરિવહન સેવા માટે સરકારી ધારાધોરણ મુજબ પ્રતિ કી.મી. રૂ.18 કમિશન કરવામા આવે તેવી અમારી માગણી છે. આ રીતે રિક્ષા ચાલકોનું શોષણ કરવાની કંપનીની લૂંટ નીતિ સામે રિક્ષા ચાલક જરાપણ ઝૂકશે નહીં. જો કંપની યોગ્ય નિર્ણય નહીં લ્યે તો રાજકોટમાં રિક્ષાચાલકો રેપિડોનો બહિષ્કાર કરશે.

રાજકોટ કુલ 6000 જેટલી ઓટો, રેપિડો સાથે 2200થી વધુ રિક્ષાનું રજિસ્ટ્રેશન

શહેરમાં અગાઉ નિયત સિમિત રૂટ એટલે કે પાટા પર રિક્ષા ચાલતી હતી, પરંતુ રેપિડો આવ્યા બાદ આ ચીલો ઓછો થતો જાય છે. શહેરમાં કુલ 6000થી વધુ ઓટો દોડી રહી છે. તેમાથી રેપિડો સાથે જોડાણ કર્યુ હોય તેવી 2200થી વધુ રિક્ષા છે.

રેપિડો રાઇડર રિક્ષાચાલકોને પ્રતિ કી.મી. કંપની તરફથી નિર્ધારિત કમિશન ચુકવવામા આવે છે. જેની સામે પેસેન્જરોને એ ફાયદો થાય છે કે, ઇન્સ્ટન્ટ રિક્ષાની ઘરના આંગણા સુધીની સવલત મળે છે. અડધી રાત્રે પણ રીક્ષાની જરૂર પડે તો રેપીડો મારફતે ગણતરીની મિનિટોમાં આવી જાય છે.