Rajkot: 'રાજકોટ ફાઉન્ડ્રી'ના સંચાલક સાથે રૂ. 39.20 લાખની ઠગાઈ, કંપનીના એકાઉન્ટન્ટની સંડોવણી સામે આવી

નવ નિયુક્ત એકાઉન્ટન્ટે જૂના હિસાબો તપાસ્યા ત્યારે ભાંડો ફૂટ્યો. બેંક સ્ટેટમેન્ટની વિગતોમાં આરોપીએ કંપનીના રેકોર્ડમાં ખોટા હિસાબો ઉભા કરીને રકમ પચાવી પાડી હોવાનો ઘટસ્ફોટ થયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 05 May 2026 07:10 PM (IST)Updated: Tue, 05 May 2026 07:10 PM (IST)
accountant-dupes-rajkot-foundry-company-transfers-lakhs-to-personal-accounts
HIGHLIGHTS
  • કંપનીના એકાઉન્ટન્ટે બેંક ખાતામાંથી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધી

Rajkot: રાજકોટના કોઠારિયા રોડ ઉપર સુભાષનગરમાં રહેતા અને હરીપર તરવડ ગામની સીમમાં આવેલી ’રાજકોટ ફાઉન્ડ્રી પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપની ચલાવતા ફેક્ટરી સંચાલક સાથે રૂ.39.20 લાખની છેતરપીંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કંપનીમાં મુખ્ય એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે કંપનીના જ બેંક ખાતામાંથી અંદાજે રૂ. 9,20,800 ની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

કંપનીના મેનેજર અજયભાઈ ચુનીભાઈ ખુંટે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ માધાપર ચોકડી પાસે રહેતા નીલેશભાઈ મનસુખલાલ જાનીનું નામ આપ્યુ છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, નીલેશ વર્ષ 2021થી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત હતા. આરોપી પાસે કંપનીના તમામ પેમેન્ટ અને બેંકિંગ વ્યવહારોની જવાબદારી હતી. જોકે, વર્ષ 2025 માં તેઓ નિયમિત નોકરી પર ન આવતા હોવાથી ગત ડિસેમ્બર મહિનામાં તેમને છૂટા કરવામાં આવ્યા હતા.

કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે નવા નિમણૂક પામેલા એકાઉન્ટન્ટે એક જૂની એન્ટ્રી બાબતે પૂછપરછ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, એક કર્મચારીના નામે એડવાન્સ પેમેન્ટની એન્ટ્રી કરવામાં આવી હતી, પરંતુ તે કર્મચારીને કોઈ રકમ મળી નહોતી.

આ શંકાસ્પદ વ્યવહારને પગલે જ્યારે કંપનીના બેંક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવવામાં આવ્યું, ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે આરોપી નીલેશ જાનીએ તા. 30/04/2024 થી 29/11/2025 ના સમયગાળા દરમિયાન કંપનીના રેકોર્ડમાં ખોટા હિસાબો ઉભા કર્યા હતા. અલગ-અલગ વ્યક્તિઓ અને કંપનીઓને એડવાન્સ કે પેમેન્ટ આપવાના બહાને રકમ પોતે જ હડપ કરી લીધી હતી.

કંપનીના ખાતામાંથી પોતાના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં રૂ.32,94,785 અને ઇન્ડસઇન્ડ બેંક ખાતામાં રૂ.6,26,015 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. કંપનીના નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે જેથી કૌભાંડનો આંકડો વધવાની શક્યતા છે.

લોધીકા પોલીસે આ મામલે આરોપી નીલેશભાઈ મનસુખલાલ જાની સામે આઈ.પી.સી.ની કલમ 408, 420, 477અ, 467, 468 અને 471 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ આઈ.એમ.સરવૈયા ચલાવી રહ્યા છે.