Surat Regent Textile Market Fire: સુરતમાં વધુ એક ટેક્સટાઈલ માર્કેટમાં આગની ઘટના સામે આવી છે. જેમાં રિંગ રોડ પર આવેલ રિજન્ટ ટેક્સટાઈલ માર્કેટના ત્રીજા માળે આવેલી કાપડની દુકાનોમાં આગ ભડકી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે, હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના રિંગ રોડ સ્થિત કમેલા દરવાજા પાસે આવેલી રિજન્ટ ટેક્સટાઈલ માર્કેટના A બ્લોકના ત્રીજા માળે આવેલી કાપડની દુકાનમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરી મચી જવા પામી હતી.
કાપડ માર્કેટમાં આગની ઘટનાની જાણ થતાં આસપાસના 10 ફાયર સ્ટેશનની 18 જેટલી ગાડીઓનો કાફલો તાત્કાલિક રિજન્ટ ટેક્સટાઈલ માર્કેટ પહોંચી ગયો હતો. જ્યાં ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ કુલિંગની કામગારી ચાલી રહી છે.
સદ્દનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ દુકાનોમાં રહેલો કાપડનો જ્થ્થો બળી જતાં વેપારીઓને વ્યાપક નુકસાનનો અંદાજો છે. હજુ સુદી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે કુલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આગ લાગવા અંગેનું ચોક્કસ કારણ જાણી શકાશે.
