Surat Rain Update: સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે ત્યારે સુરત શહેરમાં મોરાભાગળ - જહાંગીરપુરા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા બીજી તરફ રાંદેર હનુમાન ટેકરી પાસે આવેલા મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત ડક્કા ઓવારા પાસે ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું તે પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
હવામાન વિભાગ દ્વારા આજે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં ગત મોડી રાતથી આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં વરસાદને પગલે મોરાભાગળ - જહાંગીરપુરા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને અને વાહન ચાલકોને હાલાકી પડી હતી.

આ ઉપરાંત રાંદેર હનુમાન ટેકરી પાસે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા હતા મંદિરમાં ઘુટણસમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ઉકાઈ ડેમમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે ડક્કા ઓવારા પાસે પાણી ફરી વળ્યા હતા. ડક્કા ઓવારા પાસે મનપા દ્વારા ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. અહી બનાવેલા મંડપ અને કુત્રિમ તળાવમાં પાણી ફરી વળ્યા હતા બીજી તરફ તંત્રની ટીમ અહી પહોચી છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફ ધર્મેશ ભગવાકરએ જણાવ્યું હતું કે ડક્કા ઓવારા ખાતે જે પણ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થનાર છે, અત્યારે જે પરિસ્થિતિ છે અને આવી જ પરિસ્થિતિ રહેશે તો ફરીથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું પડશે તો કરી દેશું, અત્યારે કોન્ટ્રકટર અને સ્ટાફની ટીમ સ્થળ પર જ છે અને પાણીનું સત્તર જે પ્રમાણે ઘટશે તેમ જે પ્રમાણેની કામગીરી કરવાની છે તે ચાલુ કરી દેશે.

ખાસ ગણેશ મંડળોને વિનંતી છે કે અન્ય કોઈ વાતો કે અફવા પર ધ્યાન આપવું નહી, અહિયાં જ વિસર્જન થવાનું છે. અહિયાં કદાચ જો પરિસ્થિતિ આવી જ રહેશે તો સંકેતામ્ક વિસર્જનનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. જેથી કરીને નામદાર હાઈકોર્ટના હુકમનો પણ અમલ થાય અને ગણેશ વિસર્જનની આસ્થા પણ જળવાઈ તે પ્રકારની પણ વ્યવસ્થા કરીશું.
ડે.ચીફ ફાયર ઓફિસર પ્રકાશ ભાઈએ જણાવ્યું હતું કે રાતથી વરસાદ વરસ્યો હતો. સવારથી વરસાદ બંધ થયો છે ત્યારે પાણી ક્યાં ક્યાં ભરાયેલું છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. અમારી સંપૂર્ણ ટીમ દરેક ઝોનમાં સર્વે કરી રહી છે. મોરા ભાગળ બાજુ થોડું પાણી ભરાયું હતું, કોઝવે બાજુ પણ ફલો કેટલો છે તેનો સર્વે કરાયો હતો.
હાલમાં કોઈ ગભરાવવા જેવી કોઈ વાત નથી, લોકોને અપીલ છે કે પાણી ભરાઈ જાય તો ગભરાવવાની જરૂર નથી, અમારી ટીમ ૨૪ કલાક કાર્યરત છે. જે એરિયામાં પાણી ભરાવવાની શક્યતા છે ત્યાં અમારી ટીમ કામ કરી રહી છે. જરૂર પડ્યે ફાયર વીભાગને કોલ કરવો ફાયર વિભાગની ટીમ મદદ માટે સતત કાર્યરત છે.