Surat News: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 11 સપ્ટેમ્બર 2025 સુધી ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે પણ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઈને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફલો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે.
હવામાન વિભાગ દ્વારા આજે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે પણ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. આજે બપોરે 12 કલાકે ઉકાઈ ડેમની સપાટી 337.91 ફૂટ નોંધાઈ હતી.
ડેમના બાર દરવાજા 7 ફૂટ ખોલીને 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જયારે સુરત શહેરમાં આવેલા કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને આજે બપોરે 12 કલાકે સપાટી 9.41 મીટર નોંધાઈ હતી. કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે. જ્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલો છે. તંત્ર એલર્ટ મોડમાં છે.
સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 25 મીમી, માંગરોળમાં 13 મીમી, ઉમરપાડામાં 21 મીમી, માંડવીમાં 13 મીમી, કામરેજમાં 29 મીમી, સુરત શહેરમાં 33 મીમી, ચોરાસીમાં 17 મીમી, પલસામાં 50 મીમી, બારડોલીમાં 42 મીમી અને મહુવામાં 41મીમી વરસાદ નોંધાયો છે.
12 કલાકે ઉકાઈ ડેમની સપાટી
- ડેમની સપાટી :- 337.91 ફૂટ
- ઇનફલો :- 1,63,176 કયુસેક
- આઉટફલો :- 1,63,176 કયુસેક
સુરત શહેરમાં આવેલા કોઝવેની 12 કલાકે સપાટી
- ભયજનક સપાટી :- 6 મીટર
- આજે બપોરે 12 કલાકે સપાટી :- 9.41 મીટર
કોઝવે ઓવરફલો હોવાથી વાહનવ્યહાર માટે બંધ કરવામાં આવ્યો છે.