Surat Rain Alert: હવામાન વિભાગ દ્વારા સુરત શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ છે, બીજી તરફ શાળા-કોલેજોની સાથે ડાયમંડ યુનિટો, ફેક્ટરીઓ કાપડ માર્કેટમાં રજા જાહેર કરાઈ છે. શહેરના લો લાઈન વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે.
શહેરમાં વરસાદી માહોલને અનુસંધાને જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાને લઇ મ્યુ. કમિશનર એમ.નાગરાજને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએથી વરસાદી પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો
તેમણે SMC દ્વારા લેવાઈ રહેલા પગલાં અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, શહેરના લો લાઈન વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે. વિદ્યાથીઓ, નાગરિકો, કામદારોની સુરક્ષાને ધ્યાને લેતા શાળા-કોલેજોની સાથે ડાયમંડ યુનિટો, ફેક્ટરીઓ કાપડ માર્કેટમાં પણ રજા જાહેર કરાઈ અને કોલેજોની સાથે માર્કેટ એસોસિયેશન દ્વારા પણ રજા જાહેર કરાઈ છે.
વધુમાં શહેરની ભાગોળમાં આવેલા કીમ અને આગળના વિસ્તારોમાં તેમજ નદીનાં ઉપલા ભાગમાં આવેલા જેવા કે વેલંજા, કઠોર, ગોથાણ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદને પગલે પાણી ભરાવાની શક્યતા હોઈ નાગરિકોને એલર્ટ રહેવા અપીલ કરાઈ હતી.
આજે સાંજે પણ તીવ્ર પવનની સાથે ભારે વરસાદ આવવાની આગાહીને પગલે શહેરીજનોને ઘરે સુરક્ષિત રહેવા અને માલસામાનના સંભવિત નુકસાનને ટાળવા તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સર્તક રહી જાનહાની અટકાવવા અપીલ કરી હતી.
શહેરમાં NDRF તેમજ SDRFની ટીમો સજ્જ હોવાની સાથે જ જિલ્લા કલેકટર દ્વારા સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર પાસે આર્મીની એક ટીમની પણ માંગણી કરાઈ હોવાનું જણાવી કમિશનરએ નાગરિકોને સહકાર આપવા અને સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
સુરત જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીણાએ લોકોને કરી અપીલ
તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-ડિપ્રેશન સુરત તરફ આગળ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક અને સજ્જ બન્યું છે. સુરત જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીણાએ જિલ્લાના તમામ ગ્રામ્યજનોને સુરક્ષિત અને સતર્ક રહેવા માટે મહત્વપૂર્ણ અપીલ કરી છે.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રની તમામ ટીમો સતત ફિલ્ડમાં રહીને પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર વહેતી થતી કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું અને માત્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ રાખવો.
વધુમાં તેમણે જિલ્લાના તમામ નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને અત્યંત જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળવા અપીલ કરી હતી. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાં અને દરિયાકિનારા જેવા જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર જણાયે તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કરી નજીકના શેલ્ટર હોમ (આશ્રય સ્થાન) ખાતે શિફ્ટ થવા જણાવ્યું હતું.
આ સાથોસાથ ભારે પવન ફૂંકાતો હોય તેવા સમયે ઊંચી ઇમારતો, જૂના તથા મોટા વૃક્ષો અને વીજળીના થાંભલાઓથી સુરક્ષિત અંતર જાળવીને સાવચેતી રાખવા પણ ખાસ અનુરોધ કર્યો હતો. કોઈપણ કટોકટી કે ઇમરજન્સીની સ્થિતિમાં નાગરિકો તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવાનો અનુરોધ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો હતો.
