Surat Floods: રેસ્ક્યુ માટે વડોદરાથી સેનાની બે પ્લાટુન બોલાવાઈ, અનેક બસોના રૂટ બંધ કરાયા; ઠેર-ઠેર જળબંબાકારથી જનજીવન ખોરંભે

ભારે વરસાદ વચ્ચે સુરતના લીંબાયત નીલગીરી સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. બીજી તરફ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભુવાની આસપાસ બેરેકેટીંગ કરવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 31 Jul 2026 03:53 PM (IST)Updated: Fri, 31 Jul 2026 03:53 PM (IST)
surat-floods-2-platoons-of-indian-army-summoned-from-vadodara-for-relief-and-rescue-operations

Surat Floods: હવામાન વિભાગની આગાહી મુજબ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકોને હાલાકી પડી રહી છે.


સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનરે કોઈ પણ નાગરિકો સંકટના સમયે પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા જાણ કરી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ મનપા દ્વારા કેટલાક બસના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં ભારે વરસાદના પરિણામે રાહત-બચાવ માટે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે વડોદરાથી ભારતીય સેનાની બે પ્લાટુન બોલાવી છે.

નીલગીરી સર્કલ પાસે ભૂવો પડ્યો

હવામાન વિભાગ દ્વારા આજે સુરત શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ જ સવારથી જ સુરત શહેરમાં વરસાદી માહોલ છે. કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે સુરતના લીંબાયત નીલગીરી સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો હતો. બીજી તરફ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ભુવાની આસપાસ બેરેકેટીંગ કરવામાં આવ્યું છે.

બસના રૂટ પણ બંધ કરાયા

સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેમજ આગામી સમયમાં વરસાદની આગાહીને ધ્યાને લઈને જિલ્લા કલેકટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ ઉમરા ગામના નિંચાણવાળા વિસ્તારમાંથી લોકોને વેલંજા સ્કુલમાં સ્થળાતર કરવામાં આવ્યા હતા. બીજી તરફ મનપા દ્વારા તકેદારીના ભાગરૂપે સીટી અને બીઆરટીએસના કેટલાક રૂટ પણ બંધ કરાયા છે.

 

 

શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી

શહેરમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા છે જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. એક તરફનો માર્ગમાં પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો કિનારેથી ધીમે ધીમે પોતાના વાહનો હંકારવા મજબુર બન્યા છે.

ડીંડોલી ઉધના ને જોડતા ગરનાળા પાસે પણ પાણી ભરાઈ છે. પાલિકાના અધિકારીઓ દ્વારા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના પાલ કેનાલ રોડ પર વરસાદી પાણી ભરાયા છે, નક્ષત્ર ફ્લેટ્સ સામે રોડ પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, સતત વરસાદને કારણે રસ્તા પર પાણીનો ભરાવો થયો હતો. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. લોકોને સાવચેતી સાથે વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે

સંકટના સમયે પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર પર સંપર્ક કરી શકે છે : ઈ. પોલીસ કમિશ્નર

સુરતના ઈ.પોલીસ કમિશનર વાબાંગ જામીરએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે તેમજ ભારે પવન પણ ફુંકાઈ શકે છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સુરત મહાનગર પાલિકા તથા પોલીસની ટીમોને તૈનાત કરવામાં આવી છે.

આ ટીમોને નાગરિકો પુરતો સાથ સહયોગ આપવા નમ્ર વિનંતી છે, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ તરફથી રોડ ડાયવર્ઝન અંગે દર કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી નાગરિકોને જાણ કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે ભારે વરસાદની આગાહીને લઈને સુરત શહેરની જનતાને નમ્ર અપીલ છે કે આગાહી મુજબ ભારે પવન ફુંકાવાની સંભાવના છે જેથી આપના મકાન કે બિલ્ડિંગ ઉપર કોઈ પણ ઊડી જાય તેવી વસ્તુ હોય તો તેને વ્યવસ્થિત મૂકો. આ ઉપરાંત ઝાડ, વીજથાંભલા, હોર્ડિંગ્સ અને નબળા બાંધકામથી દૂર રહો, ખાનગી હોર્ડિંગ્સના સંચાલકોએ હોર્ડિંગ્સ ભારે પવનમાં પડી ન જાય અને કોઈને નુકશાન ન થાય તે અંગે તકેદારી રાખવી તેમજ પાણી ભરાયેલા હોય તેવા રસ્તાઓ ઉપર જવાનું અથવા વાહન ચલાવવાનું ટાળવું, કોઈ પણ નાગરિકો સંકટના સમયે પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર પર તાત્કાલિક સંપર્ક કરીને મદદ માંગી શકે છે.