Surat News: રાજ્યમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ સુરત શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે.
વહેલી સવારથી જ સુરતમાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે આજે 14 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ સુરત શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો જો કે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ હોય વરસાદના કારણે શાળા કોલેજ તેમજ નોકરી ધંધે જતા લોકોને રેઇન કોટ તેમજ છત્રી લઈને બહાર જવાની ફરજ પડી હતી.
આજે બપોરે 2 વાગ્યા સુધીમાં સુરત જિલ્લામાં નોંધાયેલો વરસાદ
| તાલુકા | કુલ વરસાદ (મિ.મી.) | કુલ વરસાદ (ઇંચ) |
| સુરત શહેર | 50 | 1.97 |
| અંબિકા | 28 | 1.1 |
| ઓલપાડ | 27 | 1.06 |
| ચોર્યાસી | 25 | 0.98 |
| મહુવા | 22 | 0.87 |
| કામરેજ | 18 | 0.71 |
| અરેઠ | 17 | 0.67 |
| માંગરોળ | 6 | 0.24 |
| ઉમરપાડા | 5 | 0.2 |
| પલસાણા | 5 | 0.2 |
| બારડોલી | 4 | 0.16 |
| માંડવી | 1 | 0.04 |
કોઝવે વાહનવ્યવહાર માટે બંધ
સુરત શહેરમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો વિયરકમ કોઝવે ફરી એક વાર વાહનવ્યવહાર માટે બંધ થયો છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં 68 દિવસ કોઝવે બંધ રહ્યો હતો અને 4 દિવસ અગાઉ જ વાહન વ્યહાર માટે શરુ કરવામાં આવ્યો હતો. ઉપરવાસ તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પડી રહેલા વરસાદના કારણે કોઝવેમાં પાણીની આવક વધતા કોઝવેની સપાટી ભયજનક સપાટીને પાર કરી ગયી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર થતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે આજે બપોરે 12 વાગ્યે કોઝવેની સપાટી 6.45 મીટર નોંધાઈ છે. ગતરોજથી જ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
