Surat News:સુરત શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ સુરતમાં આવેલા વિયરકમ કોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. 4 દિવસ પહેલા જ કોઝવેને વાહનવ્યવહાર માટે શરુ કરવામાં આવ્યો હતો પરંતુ આજે કોઝવેની ભયજનક સપાટી પાર થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે
સુરત શહેરમાં કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો મહત્વપૂર્ણ કોઝવે ફરી એકવાર પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર થતા કોઝવેને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવે છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સતત 68 દિવસ સુધી કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અને ગત 9 સપ્ટેમ્બરે જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો જો કે 4 દિવસમાં જ ફરી કોઝવેની સપાટી ભયજનક સપાટીને પાર કરી ગઈ છે ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની ભારે આવકને કારણે તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે સાંજે 6 વાગ્યે કોઝવેની સપાટી 6.03 મીટર નોંધાઈ છે અને કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે વાહન વ્યવહાર માટે બંધ થતા વાહન ચાલકોને લાંબો ચકરાવો લેવો પડશે
સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 13 મીમી, માંગરોળમાં 12 મીમી, ઉમરપાડામાં 36 મીમી, માંડવીમાં 8 મીમી, કામરેજમાં 10 મીમી, સુરત શહેરમાં 26 મીમી, ચોરાસીમાં 15 મીમી, પલસાણામાં 11 મીમી, બારડોલીમાં 14 મીમી, મહુવામાં 13 મીમી, અરેઠમાં 3 મીમી અને અંબિકામાં 66 મીમી વરસાદ નોંધાયો હતો
