Surat Crime: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ કરીને 3 મહિલાઓને મુક્ત કરાવી હતી અને સ્પાના સંચાલકને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે સ્પાના ભાગીદારો સહીત 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
ગ્રીન એરિસ્ટો કોમ્પ્લેક્ષમાં ચાલતું કુટણખાનું
મળતી માહિતી મુજબ જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા ગ્રીન એરિસ્ટો કોમ્પ્લેક્ષમાં આવેલા એ વન ગ્રીન નામના સ્પામાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અહીં ડમી ગ્રાહક મોકલીને પોલીસે ખરાઈ કર્યા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી હતી. આ સ્થળેથી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી.
સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃતિ, મુંબઈથી બોલાવી મહિલાઓ
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પાંડેસરા ખાતે રહેતો સુશીલકુમાર ઉર્ફે ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ તેમજ સગરામપુરા વિસ્તારમાં રહેતો રુખસાર સમીર ભાગીદારીમાં સ્પા ચલાવતા હતા. તેઓ 3 મહિલાને મુંબઈથી બોલાવીને સ્પામાં રાખીને કુટણખાનું ચલાવતા હતા. તેમજ સ્પાના સંચાલક તરીકે સાહિલ સોહિલ ખાનને નોકરી પર રાખ્યો હતો.
ગ્રાહક પાસેથી 1 હજાર લઈ મુંબઈ મોકલતા
આરોપીઓ ગ્રાહકોના ઓનલાઇન પેમેન્ટ મુંબઈ ખાતે રહેતા ફૈઝલ નૂર મોહમ્મદના એકાઉન્ટમાં જમા કરાવી એકબીજાની મદદગારીથી કુટણખાનું ચલાવતા હતા. અહી ગ્રાહકો પાસેથી 1 હજાર રૂપિયા વસુલવામાં આવતા હતા. પોલીસે ડમી ગ્રાહક મોકલીને સ્પાની આડમાં ચાલતા આ કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. રેડ દરમિયાન રૂ. 16 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
સ્પા સંચાલક ઝડપાયો, ત્રણ ભાગીદાર વોન્ટેડ
પોલીસ ટીમે 3 મહિલાઓને મુક્ત કરાવીને સ્પાના સંચાલક સાહિલ સોહિલ ખાનને ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્પાના ભાગીદારો સુશીલકુમાર ઉર્ફે ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ તેમજ રુખસાર સમીર તેમજ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારનાર ફૈઝલ નૂર મોહમ્મદને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
