31st December Celebration: વર્ષ 2025 ને વિદાય આપવા અને નવા વર્ષ 2026 ને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ છે. સુરતમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. સુરતમાં 5 હજારથી વધુ પોલીસકર્મીનો કાફલો તૈનાત રહેશે. પોલીસ આ વખતે અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ છે.
સુરતમાં નવા વર્ષની રંગેચંગે થશે ઉજવણી
આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, "સુરતના અલગ અલગ વિસ્તારોમાં લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, અને અલગ અલગ વિસ્તારોમાં નીકળીને મોટી સંખ્યામાં ભેગા પણ થતા હોય છે. અમુક જગ્યા, હોટલ, પાર્ટી પ્લોટમાં મંજૂરી લઈને ઉજવણી પણ કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી કુલ 13 જગ્યાએ આયોજન કરવા માટે આયોજકોએ અરજીઓ મળી છે, જેની પ્રક્રિયા ચાલુ છે.
આ પણ વાંચો
5 હજારથી વધુ પોલીસ જવાનો ખડકાશે
31 ડિસેમ્બરના રોજ 5 હજાર જેટલો પોલીસ કાફલો તૈનાત રહેશે. જેમાં 382 જેટલા બ્રીથ એનેલાઇઝરના માધ્યમથી તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત 190 જેટલા અત્યાધુનિક 'લાઇટ બેઝ' એનાલાઈઝર છે. જ્યાં જ્યાં આયોજન થવાના છે ત્યાં 20 જેટલા ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.
બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો
આ ઉપરાંત રોડ પર રહેતા પોલીસ બોડીવોર્ન કેમેરાથી સજ્જ રહેશે, જેની લાઈવ ફીડ કંટ્રોલરૂમમાં આવતી રહેશે. જેથી કોઈ વ્યક્તિ પોલીસ સાથે મિસ બિહેવ કરે તો એના પુરાવા સાથે કાર્યવાહી કરી શકાય. 45 જગ્યાએ ચેક પોઇન્ટ બનાવવામાં આવ્યા છે, 12 ચેક પોઇન્ટ પણ રહેશે.
AI કેમેરા અને સોલાર બેઝ કેમેરાથી વોચ
DCP, SOG, PCB અને અલગ અલગ સ્થાનિક પોલીસની ટીમો પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત 50 થી વધુ AI કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત સોલાર બેઝ કેમેરાથી પણ વોચ રાખવામાં આવશે. કોઈ સ્ટંટ બાજી કરવી નહી, જાહેરમાં તલવાર વડે કેક કાપવી નહી, એવું કોઈ કાર્ય કરવું નહીં જેથી તમારું વર્ષ 2026 લોકઅપથી શરૂ થાય.
કેટલાક વિસ્તારોમાં રૂટ ડાયવર્ઝન
અનુપમસિંહ ગેહલોતેવધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે થાય એના માટે છેલ્લા એક અઠવાડિયાથી પોલીસની તૈયારીઓ ચાલુ છે. છેલ્લા 7 દિવસમાં 1100 થી વધુ પ્રોહીબીશનના કેસ દાખલ કરવામાં આવ્યા છે. 55 લોકોને PASA અને 14 જેટલા લોકોને તડીપાર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
આ સમગ્ર વ્યવસ્થાની તૈયારીરૂપે અને લોકો ઉજવણી કરે પણ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તેવા કોઈ કૃત્ય ન કરે, સાથે સાથે બીજાને કોઈને તકલીફ ન પડે એને ધ્યાનમાં રાખીને અલગ અલગ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અમુક અમુક વિસ્તારોમાં રૂટનું ડાયવર્ઝન છે, અને અમુક પ્રતિબંધો છે.
