Medical Store Theft: સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ચોરીની ઘટના બની છે. ત્રણ તસ્કરો મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદર પ્રવેશ્યા હતા, અને મેડિકલ સ્ટોરમાંથી રૂ. 48 હજાર રોકડા તેમજ 6 નંગ આઈસ્ક્રીમની ચોરી કરી ફરાર થયા હતા. આ સમગ્ર બનાવ સ્ટોરના CCTV કેમેરામાં કેદ થયો છે. બીજી તરફ આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મેડિકલ સ્ટોરમાં તસ્કરો ત્રાટક્યા
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલા મહાવીર હાઈટ્સમાં સ્થિત હરિઓમ મેડિકલ કેર ફાર્મસીમાં ચોરીની ઘટના બની છે. ગત 27 તારીખે વહેલી સવારે 4 વાગ્યા બાદ તસ્કરોએ મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યું હતું. મેડિકલ સ્ટોરનું શટર તોડી અંદરના કાચના દરવાજાનું લોક તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો
રોકડ રકમ અને મોબાઇલની ચોરી
બીજા દિવસે મેડીકલ સ્ટોરના માલિકને ચોરીની જાણ થઇ હતી. તસ્કરો મેડીકલ સ્ટોરમાં રહેલા રોકડા રૂપિયા 48 હજાર, એક મોબાઇલ ફોન તેમજ 6 નંગ ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી ગયા હતા. તસ્કરો મેડિકલ સ્ટોરમાંથી કુલ 56,175 રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો: Surat: GEBના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરનારા 5ની ધરપકડ,રૂ. 8.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ચોરીનો બનાવ CCTV કેમેરામાં કેદ થયો
ચોરીની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે. જેમાં બે ઈસમો મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપે છે. જ્યારે એક ઇસમ બહાર વોચ રાખતો હતો. સળિયાની મદદથી તેમણે મેડિકલ સ્ટોરનું શટર ઊંચું કર્યું હતું. ચોરી કર્યા બાદ તેઓ બે સળિયા પોતાની સાથે લઈ ગયા, અને એક ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વહેલી સવારનો સમય, 50 મિનિટમાં ખેલખતમ
મેડિકલ સ્ટોરના સંચાલક જયાબેન દ્વિવેદીએ જણાવ્યું હતું કે, "એક મહિનાની બધી કમાણી ચોરી થઇ ગયી છે, વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ત્રણ ચોરોએ આવીને ચોરી કરી છે. બે ચોર અંદર આવીને ચોરી કરી હતી, જયારે એક ચોર બહાર નજર રાખી રહ્યો હતો. લોક ખોલવામાં તેમને 45 મિનિટ જેટલો સમય લાગી ગયો હતો, અને 5 મિનિટમાં સ્ટોરમાં ચોરી કરી હતી.
