Surat: શહેરના પલસાણામાં 11 મહિનાની બાળકીનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત નીપજ્યું છે. વ્હાલસોયી દીકરીના અકાળે અવસાનથી પરપ્રાંતિય પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના વતની ગોવિંદકુમાર વિજયશંકર વર્મા સુરતના પલસાણા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. આજથી 11 મહિના પહેલા જ ગોવિંદકુમારની પત્ની કિરણદેવીએ દીકરીને જન્મ આપ્યો હતો. સિઝરથી ડિલિવરી થયા બાદ માતા કિરણદેવી અશક્ત રહેતા હોવાથી બાળકી શિવાનીને પુરતું સ્તનપાન કરાવી શકતા નહતા. આથી તેઓ બહારથી દૂધ લાવીને ગરમ કરીને બાળકીને પીવડાવતા હતા.
ગત બુધવારે કિરણદેવીએ શિવાનીને દૂધ પીવડાવ્યું હતુ. જે બાદ અચાનક દીકરીની તબિયત બગડી હતી અને તેને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હતા. આથી પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ચલથાણની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન શિવાનીનું મોત નીપજ્યું હતુ. આ મામલે પલસાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

