Surat News: સુરતના વેસુ સ્થિત નંદીની 1 એપાર્ટમેન્ટ ખાતે ભાગવત કથામાં પધારેલી 7 મહિલાઓની ચેઈન ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઉકેલી કાઢ્યો હતો. આ ઘટનામાં પોલીસે 3 મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં પકડાયેલી મહિલાઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતી હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા નંદીની-1 એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કથાનું શ્રવણ કરવા ભક્તજનો ઉમટી પડે છે. દરમ્યાન ગત 27 ડીસેમ્બરના રોજ સાંજે આરતીના સમયે ભીડનો લાભ લઈને સાત મહિલાઓની કુલ 6.77 લાખની 7 ચેઈનની અજાણી મહિલાઓ ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. આ અંગે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે કીમ ચાર રસ્તા પાસેથી દિલ્હીની વતની વનિતા ઉર્ફે વનીદા જયચંદ્રન રંગાસ્વામી, રાધા ઉદયા વેલગુ અને મનીષા પટનતાલ નાયડુને ઝડપી પાડી હતી અને મહિલાઓનો કબજો વેસુ પોલીસને સોપ્યો હતો.
આ પણ વાંચો
પોલીસના જાણાવ્યા અનુસાર આ ગેંગ ભારતના વિવિધ રાજ્યોમાં જઈ અલગ અલગ ધર્મના ધાર્મિક પ્રસંગ કે લગ્નમાં જે તે ધર્મના લોકોના કપડા જેવા કપડા પહેરી પ્રસંગમાં જઈ ત્યાં હાજર મહિલાઓ પૈકી સોનાના ઘરેણા પહેરેલી મહિલાઓને ટાર્ગેટ કરતી હતી અને તેમના ગળામાં પેહરેલા સોનાના દાગીનાની નજર ચૂકવી ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલી મહિલા વનિતા ઉર્ફે વનિદાના ગોવાના મરગાઉં પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ છે, જયારે રાધા ઉદયા વેલગુના સુરતના અલથાણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ છે. આ ઉપરાંત વનિતા ઉર્ફે વનીદા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ અમદાવાદ, ભુજ, અલથાણ, વલસાડ, ગોવા મળી કુલ 8 ગુના નોંધાયેલા છે. જયારે રાધા ઉદયા વેલગુનો સામે પણ ગોવામાં 3 ગુના અગાઉ નોંધાયેલા છે.
