Surat accident: કોસંબા ઓવરબ્રિજ પર હિટ એન્ડ રન, બે સગા ભાઈએ સ્થળ પર દમ તોડ્યો

મૃતક બંને સગા ભાઈઓ ખેતરની ફરતે સાડીઓ બાંધવાના આશયથી ઘરથી નીકળ્યા હતા, અને રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Wed 31 Dec 2025 03:03 PM (IST)Updated: Wed 31 Dec 2025 03:03 PM (IST)
surat-hit-and-run-on-kosamba-overbridge-two-brothers-died-on-the-spot-665379
HIGHLIGHTS
  • કોસંબા ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનનો બનાવ
  • અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લીધું હતું
  • બાઈક પર સવાર બે સગા ભાઈઓનું સ્થળ પર મોત

Surat Hit and Run: કોસંબા ઓવરબ્રિજ પર અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં બાઇક પર સવાર બે સગા ભાઈઓને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. જેમાં બંને સગા ભાઈઓના મોત થયા છે. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો.

કોસંબા બ્રિજ પર હિટ એન્ડ રનનો બનાવ

મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં આવેલા કોસંબા બ્રિજ (Kosamba Bridge) પર એક બાઈક પર બે યુવાન પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લીધા હતા. જેમાં બાઈક સવાર બંને ભાઈઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. બંને સગા ભાઈને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બે સગા ભાઈના દુઃખદ મોત

આ ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ (Surat Police), કોસંબા પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતકોના ખિસ્સામાંથી મળી આવેલા આધારકાર્ડના આધારે પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મગન પરસોતમ ભાયાણી અને પ્રવીણ પરસોતમ ભાયાણી તરીકે થઈ છે.

અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ફરાર થયો

આ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યા હતા, અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર વાહનચાલકને શોધવાની કામગીરી શરૂ કરી છે.

ખેતરથી પરત આવતા સમયે નડ્યો અકસ્માત

બંને ભાઈઓ વ્યવસાયે ખેડૂત હતા અને પોતાની બાઈક પર પાલેજ સ્થિત ખેતર તરફ જઈ રહ્યા હતા. ખેતરમાં વાવેલા પાકને નીલગાયના ત્રાસથી બચાવવા માટે તેઓ ખેતરની ફરતે સાડીઓ બાંધવાના આશયથી ઘરેથી નીકળ્યા હતા. અકસ્માત સ્થળેથી પોલીસને તેમની બાઈક સાથે સાડીનો જથ્થો પણ મળી આવ્યો હતો. બે દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.