આરતી સાંગાણી પ્રેમ લગ્ન વિવાદ: સુરતમાં ફાર્મ હાઉસ પર મળવા પહોંચેલા પિતા માટે દીકરીએ દરવાજો પણ ન ખોલ્યો

આરતીના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમે તો માત્ર તેને મળવા અને તેની માતા સાથે વાત કરાવવા ગયા હતા જેથી પરિવારની લાગણી જળવાઈ રહે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 11:56 AM (IST)Updated: Wed 31 Dec 2025 11:56 AM (IST)
aarti-sangani-love-marriage-controversy-daughter-didn-even-open-the-door-for-her-father-who-arrived-to-meet-her-at-the-farmhouse-in-surat-665237

Aarti Sangani Love Marriage Controversy: સુરતની લોકપ્રિય પાટીદાર સિંગર આરતી સાંગાણીના અંગત જીવનનો કલહ હવે જાહેર માર્ગો અને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર આરતી અને તેના પિતા વચ્ચે સર્જાયેલી ખેંચતાણ ગતરોજ પરાકાષ્ઠાએ પહોંચી હતી, જ્યારે દીકરીને મળવા ગયેલા પિતાએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું.

ફાર્મ હાઉસ પર હૃદયદ્રાવક દ્રશ્યો

મળતી માહિતી મુજબ, આરતી સાંગાણી સુરતમાં એક કાર્યક્રમ અર્થે આવી હતી અને સુરત જિલ્લાના એક ખાનગી ફાર્મ હાઉસ પર રોકાઈ હતી. પુત્રી સુરત આવી હોવાના સમાચાર મળતા જ તેના પિતા અને ભત્રીજી ભાવુક થઈને તેને મળવા દોડી ગયા હતા. પિતાની ઈચ્છા હતી કે લાંબા સમયથી પરિવારથી દૂર રહેલી દીકરીને મળીને તેની માતા સાથે વાત કરાવી શકાય અને મનદુઃખ દૂર કરી શકાય.

જોકે, આરતીએ પિતા પ્રત્યે કોઈ સંવેદના દાખવી ન હતી. પિતા કલાકો સુધી ફાર્મ હાઉસના દરવાજે ઉભા રહ્યા અને વિનંતી કરી, પરંતુ આરતીએ દરવાજો ખોલ્યો ન હતો અને ત્યાંથી બારોબાર નીકળી ગઈ હતી. પિતાએ વ્યથિત હૃદયે ફાર્મ હાઉસના રજિસ્ટરમાં પોતાની નોંધ કરાવી કે તેઓ મળવા આવ્યા હતા પણ પુત્રીએ મુલાકાત આપી નથી.

પોલીસ નિવેદનમાં આનાકાની

આરતી અગાઉ ઘરેથી નીકળી ગઈ હોવાથી પરિવારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કાયદાકીય પ્રક્રિયા મુજબ આરતીએ પોલીસ સમક્ષ હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવવું અનિવાર્ય છે. પોલીસ વારંવાર તેને બોલાવી રહી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આરતી પોલીસ સમક્ષ હાજર થવામાં આનાકાની કરી રહી છે. ગતરોજ તે નિવેદન આપવા આવવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેણે આવવાનું ટાળ્યું હતું, જેને કારણે તપાસમાં વિલંબ થઈ રહ્યો છે.

પરિવારમાં ભારે રોષ અને દુઃખ

આરતીના પિતાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમે તો માત્ર તેને મળવા અને તેની માતા સાથે વાત કરાવવા ગયા હતા જેથી પરિવારની લાગણી જળવાઈ રહે. પણ તેણે દરવાજો પણ ન ખોલ્યો." પાટીદાર સમાજની જાણીતી સિંગર હોવાને કારણે આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાઈ રહી છે. સમાજના લોકો આ ઘટના પર મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. હાલમાં તો આ મામલે પોલીસ અને પરિવાર બંને આરતીના પક્ષની રાહ જોઈ રહ્યા છે. શું આરતી પોલીસ સ્ટેશન જઈને પોતાનું નિવેદન નોંધાવશે? અને શું પિતા-પુત્રી વચ્ચેના આ સંબંધોમાં સુધાર આવશે? તે આવનારો સમય જ બતાવશે.