Aarti Sangani Controversy: ગુજરાતી સિંગર(Gujarati Singer) આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિના યુવક અને તબલાવાદક દેવાંગ ગોહેલ(Devang Gohel) સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જેનો પાટીદાર સમાજમાં વિરોધ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ અનેક ચર્ચાઓ થઇ રહી છે. તાજેતરમાં આરતીના પિતાનો એક વીડિયો સામે આવ્યો હતો. ત્યારે આજે આરતી સાંગાણી(Aarti Sangani)એ ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છેકે, મે કોઇ વિશ્વાસઘાત નથી કર્યો. મે બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા એ શું મારો વાંક છે. શું એક દિકરી પોતાની મરજીથી લગ્ન પણ ન કરી શકે. જો મે પાટીદાર સમાજના દીકરા સાથે લગ્ન કર્યા હોત અને એ મને હેરાન કરત તો શું સમાજ આવત? હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં તો શું લોકો જવાબદારી લેશે? એ બધા જવાબ સમાજ પૂરા પાડશે?
લોકો મોઢામાં આંગળી નાખીને બોલાવે છે
આરતી સાંગાણી(Aarti Sangani Love Marriage Controversy)એ સોશિયલ મીડિયામાં ત્રણ વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું છેકે, મારે કંઇ બોલવું નથી પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી નાખીને મને બોલાવે છે. હાલમાં મારા પપ્પા નો એક વિડીયો વાયરલ કર્યો છે, જેની અંદર મારા પપ્પા રડે છે અને કે છે કે ભાઈ મારી દીકરીએ મારા સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમને લોકોને ખબર છે? કે જે દિવસે હું ઘરેથી નીકળી, તે દિવસે હું ઘરે કહીને નીકળી તી કે હું જાઉં છું. મેં ઘરે મેસેજ છોડ્યો તો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે.
હું જ કેમ ચર્ચાનો વિષય?
'મે મારી બહેનો સાથે વાત કરી તી, મેં મારા પપ્પા સાથે વાત કરી તી. અને બે ચાર દિવસ પછી તમે રૂબરૂ મળ્યા તા, આ વાતનો નિર્ણય લાવવા માટે. મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી. અને નિર્ણય આવ્યો તો. મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા તા અને કીધું તું કે ભાઈ તું ખુશ રે. હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહિ આવું. અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પહેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ(Aarti Sangani Love Marriage) કર્યા. તો હું જ કેમ ચર્ચાનો વિષય?'
… તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો.
'કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે. કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે. ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થાતી? ત્યારે કેમ કોઈને વાંધો નથી? ત્યારે તો બહિષ્કાર નથી થાતો? આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે. દીકરી મરી મરી ને જીવે એ પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ.'
અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે
'આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને. કે આરતી સાંગાણી વિશે જ વાત થાવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ. આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જાશે અને એની વેદના તમને થાશે ને ત્યારે તમને ખબર પડશે. અને પુરુષને તો આ વાત સમજાવાની જ નથી. કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય. દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે. અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે… મારી જાતથી, હું જે જ્ઞાતિમાં આવી છું એ જ્ઞાતિથી તમને બહુ વિરોધ છે.'
રમવાની ઉંમરમાં મેં કામ કર્યું ત્યારે હું બધાને સારી લાગી
'કોરોના જેવા કોરોનામાં, તમે લોકોએ ડોક્ટરની જાત પૂછી તી? જ્યારે અકસ્માત થાય, તમારે લોહીની જરૂર પડે, ત્યારે તમે લોહી લેતા પેલા પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે? તું કઈ સમાજનો છે? તું પટેલ જ હોવો જોઈએ? ભાઈ લોહી… લોહીનો પણ કલર અલગ નથી. તો આપણે તો કોણ છીએ? મતભેદ કરવા વાળા, જાતિ વિરોધ કરવા વાળા? તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં નઈ આવા દઈએ. આ દીકરીને બહિષ્કાર કરો. જ્યાં સુધી… જ્યાં સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી, જ્યાં સુધી મેં મારા બાપની ઇજ્જત રાખી. રમવાની ઉંમરમાં મેં કામ કર્યું.રાત ઉજાગરા કર્યા. ત્યારે હું બધાને સારી લાગી.'
મેં મારા માટે કઈક વિચાર્યું છે, તો હું લોકોને ડાકણ લાગુ છું
'આજે જ્યારે હું મોટી થઈ છું, મેં મારા માટે કઈક વિચાર્યું છે, તો હું લોકોને ડાકણ લાગુ છું. આવો તો કેવો સમાજ છે તમારો? આવા તો કેવા તમારા બધાના વિચારો છે? હું મંગળસૂત્ર પેરું છું તો વાંધો છે તમને? જ્યાં બાળ લગ્ન થાય છે, અને આજે હાલમાં પણ ઘણી જગ્યાએ બાળ લગ્ન છે. ત્યાં વિરોધ કરો ને. હું વિરોધ… હું ચર્ચા કરવાનો વિષય નથી. હું જે જ્ઞાતિમાંથી આવું છું એ નીચી નથી ને હું જે જ્ઞાતિમાં આવી છું એ પણ નીચી નથી. કદાચ કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી. માણસ માણસ હોય છે.'
હું પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં તો કોણ જવાબદારી લેશે?
'મારા પપ્પાને પ્રેશર આપ્યું તમે લોકોએ. અને એ વાતના પુરાવા પણ છે. હું બોલતી નથી, હું બોલું છું તો કોઈ ખોટું નથી બોલતી. બસ તમે સ્વીકારી નથી શકતા ને એટલો જ ફરક છે. હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં. કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું. તો શું લોકો જવાબદારી લેશે? સમાજ પૂરી પાડશે એ બધી જવાબ… એ બધા જવાબ આખી દુનિયાને સમાજ પૂરા પાડશે? મારા બાપને પૂરા પાડશે? મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે.'
આના કરતા તો… ભગવાન કોઈને દીકરી જ ન બનાવે
'હું હસવી પણ ના જોઈએ, હું બોલવી પણ ના જોઈએ. તમે કયો ત્યાં મારે પરણવું જોઈએ અને તમે ન કયો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ. આના કરતા તો… ભગવાન કોઈને દીકરી જ ન બનાવે. અને આવા સમાજમાં તો ન જ આપે. કે જ્યાં દીકરીને જીવન જીવવાનો પણ આજે કોઈ અધિકાર નથી રેવા દીધો. તમને લોકોને એવું લાગે છે કે મેં મારા બાપનું નથી જોયું પણ યાર. તમે લોકો ઘરમાં એવો માહોલ તો બાંધો કે દીકરી તમને પ્રેમથી કઈ શકે. કે પપ્પા હું આને પ્રેમ કરું છું. તમે મને ત્યાં પરણાવો. આજે મારી ખુશી મારા ઘરનાથી નથી જોવાતી તો મને સમાજનો તો કોઈ દુઃખ નથી.'
ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નઈ
'મને એવું હતું કે મારું ઘર મને અપનાવશે. હું આવડી થઇ, મે મારા ઘર માટે જે કર્યું એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજને, સમાજ માટે મે ગીતો ગાયા, સમાજના ગીતો ગાયા ત્યાં સુધી હું બધાને વહાલી લાગી. ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી પોતાના…મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ના કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ હા જેટલા પણ સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નઈ. અને દીકરી તમને સામેથી કહી શકે… કે મને પ્રેમ છે.'
આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને
'પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું ને મારામાં પણ જીવ છે અને મારો જીવ એ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખ્યો છે. જે લોકો મોટા મોટા, જે લોકોથી થોડીક ઉમ્મીદ હોય છે એ લોકો પણ આજે ન સાંભળી હોય જે લોકોને વાતની ખબર જ નથી એવી એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત?'
'પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે. આખી દુનિયાનું નથી. હરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે. આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે તો કોઈપણ દીકરીને. આવી રીતે હેરાન ન કરતા તમે. તમારા ઘરે પણ દીકરી છે.'

