VIDEO: પાસોદરામાં બેકાબુ બાઈક સામેથી આવતા ટ્રક નીચે ઘુસી ગયું, ટાયર નીચે ચગદાઈ જતાં રત્નકલાકારનું મોત; ઘટના CCTVમાં કેદ

કામથી ઘરે જઈ રહેલા રત્ન કલાકારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ટ્રકની નીચે ઘુસી ગયુ. તે સાથે જ નીચે પટકાયેલા રત્ન કલાકારના માથા પરથી ટાયર પસાર થયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 17 May 2026 08:23 PM (IST)Updated: Sun, 17 May 2026 08:23 PM (IST)
surat-news-youth-killed-in-uncontrolled-bike-rammed-into-an-oncoming-truck-in-pasodara-caught-in-cctv

Surat: શહેરના પાસોદરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પાસોદરા-ગઢપુર રોડ પર આવેલા સર્જન લક્ઝરીયા સામે બેકાબુ બનેલુ બાઈક દોડતી ટ્રક નીચે ઘુસી ગયું હતુ. જેમાં બાઈક સવાર રત્નકલાકર ટ્રકના પાછળના ટાયર નીચે ચગદાઈ જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ છે.

રત્ન કલાકારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઈક ટ્રકની નીચે ઘુસ્યું

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાસોદરાની ગઢપુર ટાઉનશિપમાં રહેતા મયુર ગાબાણી (36) વરાછા મિની બજાર ખાતે હીરા મજૂરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે સાંજના 7 વાગ્યાના અરસામાં તેઓ બાઈક લઈને કામ પરથી ઘર તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન ગઢપુર રોડ પરના સર્જન લક્ઝરીયા નજીક મયુર ગાબાણીએ બાઈકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. આથી બેકાબુ બનેલું બાઈક સામેથી પસાર થઈ રહેલા ટ્રકની નીચે ઘુસી ગયું હતુ. જેથી બાઈક સવાર મયુરભાઈ પણ નીચે પટકાયા હતા અને તે સાથે જ ટ્રકનું પાછળનું ટાયર તેમના ઉપરથી ફરી વળ્યું હતુ.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેમણે તપાસ કરતાં ઓળખ કાર્ડ મળી આવ્યું હતુ. જેના આધારે મયુર ગાબાણીના કાકાને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્ત મયુરભાઈને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા.

આ મામલે મૃતકના કાકા અનિલ ગાબાણીએ લસકાણા પોલીસ મથકમાં અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.