PM મોદીએ નેધરલેન્ડના 'અફસ્લુઈટડીક' ડેમની મુલાકાત લીધી, ખંભાતના અખાત નજીક મીઠા પાણીનું જળાશળ બનાવવાની યોજનાને વેગ મળશે

32 કિમી લાંબા આ ડચ ડેમની તકનીકી શ્રેષ્ઠતા અને નવીન ઊર્જાના મોડેલનો અભ્યાસ ખૂબ મહત્વનો, જે ખારા પાણીના અખાતને મીઠા પાણીના વિશાળ જળાશયમાં રૂપાંતરિત કરવા માટે વિશ્વભરમાં છે પ્રખ્યાત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 17 May 2026 07:56 PM (IST)Updated: Sun, 17 May 2026 11:09 PM (IST)
pm-modi-visits-afsluitdijk-dam-in-netherlands-plan-to-build-freshwater-reservoir-near-gulf-of-khambhat-will-get-boost
HIGHLIGHTS
  • નેધરલેન્ડની આ અદ્યતન એન્જિનિયરિંગ કુશળતા ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે બનશે માર્ગદર્શક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 4 દેશોના પ્રવાસ દરમિયાન આજે નેધરલેન્ડ પહોંચ્યા છે. જ્યાં તેમણે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે વિશ્વની અજાયબી પૈકી એક 'અફસ્લુઈટડીક' ડેમની (Afsluitdijk Dam)મુલાકાત લીધી હતા. આ તકે નેધરલેન્ડના પ્રધાનમંત્રી રૉબ જેટન પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરના વૈશ્વિક રોલ મોડલ સમાન અફસ્લુઈટડીક ડેમની સમીક્ષા કરી હતી.

ભારતમાં દર વર્ષે આવતા પૂર અને પાણીની તંગીની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે વડાપ્રધાનની આ મુલાકાત ઐતિહાસિક માનવામાં આવી રહી છે. નેધરલેન્ડે પાણી રોકવા અને તેનો યોગ્ય ઉપયોગ કરવામાં જે મહારત હાંસલ કરી છે, ભારત પણ હવે આજ આધુનિક ટેકનીકને પોતાના દેશમાં લાગુ કરવા માંગે છે.

32 કિમી લાંબા આ ડચ ડેમની તકનીકી શ્રેષ્ઠતા અને નવીન ઊર્જાના મોડેલનો અભ્યાસ ખૂબ મહત્વનો

નેધરલેન્ડનો અફસ્લુઈટડીક ડેમ દુનિયાના જળ વ્યવસ્થાપન માટે એક ઉત્તમ રૉલ મોડલ છે. આ લગભગ 32 કિલોમીટર લાંબો દરિયા પરનો ડેમ છે, જે નેધરલેન્ડને દરિયાના ખારા પાણી અને વિનાશક પૂરથી બચાવે છે.

આ ડેમની ખાસ વાત એ છે કે, તે દરિયાના ખારા પાણીને રોકીને તેનું મીઠું પાણી બનાવે છે. ભારત હવે આ ટેક્નોલોજીનો ઉપયોગ પોતાની નદીઓને જોડવા, સિંચાઈ વ્યવસ્થાને સુચારુ કરવા તેમજ દેશના જળમાર્ગના નેટવર્કને મજબૂત કરવા માટે કરશે.

ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને વેગ મળશે

વડાપ્રધાન મોદીની આ મુલાકાત ગુજરાતના મહત્ત્વાકાંક્ષી 'કલ્પસર પ્રોજેક્ટ' માટે ખાસ માનવામાં આવે છે. કલ્પસર પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાત પર એક વિશાળ ડેમ બનાવવાની યોજના છે. કલ્પસર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખંભાતના અખાત દ્વારા સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાનો છે અને સાથે સાથે એક વિશાળ મીઠા પાણીનો જળાશય બનાવવાનો છે.

આ દરમિયાન ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ પર ટેકનિકલ સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI)ની આપ-લે કરી, જે જળ વ્યવસ્થાપન અને માળખાગત વિકાસમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 30 માર્ચ, 2026ના રોજ નેધરલેન્ડના રાજદૂત મારિસા ગેરાર્ડ્સની ગુજરાત મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકમાં કલ્પસર યોજના અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરીને 'Indo-Dutch' નિષ્ણાત જૂથની રચના અને G2G ભાગીદારી બાબતે ચર્ચા થઈ હતી.