Kheda: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં તારીખ 17 મે ને રવિવાર ના રોજ થી અધિક માસનો હરિયાગ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અધિક માસ એ દર ત્રીજા વર્ષે આવતું પુનિત પર્વ છે. આ વર્ષે અધિકમાં જેઠવાસ છે. પ્રથમ જેઠ એ અધિક માસ છે, જ્યારે દ્વિતીય જેઠ માસ મૂળ માસ છે એટલે કે નીજ માસ છે.
પુણ્ય કર્મનું અધિક ફળ પ્રદાન કરનાર અધિક માસ છે, પુરુષોત્તમ માસમાં કથા શ્રવણ અને દાન, સ્નાન અને ભક્તિનું અનેરૂ મહત્વ છે. પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલા શુભ કાર્યોનું પુણ્ય પણ અધિક માત્રામાં હોય છે.
ભારતીય સંસ્કૃતિમાં અધિક માસનું વિશેષ મહત્વ રહ્યુ છે. 'અ ધી કશ્ય અધિકમ ફલમ' અધિક માસ એ વિશેષ પુણ્ય કમાવા માટેનો મહિનો છે. કરેલા દાન ધર્મકિર્તન સ્નાન કથા શ્રવણ તથા યજ્ઞ તો વિશેષ ફળ આપે છે.
અધિક માસના પ્રથમ દિવસે વડતાલ મંદિરના યજ્ઞ ખંડમાં યજ્ઞનો નો મંગળ પ્રારંભ મોટા લાલજી સૌરભપ્રસાદજી મહારાજ, રાજકોટ ગુરુકુળના મહંત દેવપ્રસાદદાસ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, ગોવિંદ પ્રસાદ સ્વામી, મુન્ની વલ્લભ સ્વામી બ્રહ્મચારી પ્રભાનંદજી, પાર્ષદ લાલજી ભગત જ્ઞાનબાગ વગેરેએ યજ્ઞ પૂજન બાદ યજ્ઞ નારાયણની આરતી ઉતારી હતી.
વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત સ્વામીએ મંગળ ઉદબોધન કર્યું હતું. યજ્ઞાદિ વિધિ પુરોહિત હિરેનભાઈ ભટ્ટે કરાવી હતી . 30 દિવસ પર્યંત મંદિરમાં વેદોક્ત મંત્ર ગુંજતો રહેશે. આજે હરિયાગનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને જેની પુર્ણાહુતિ તારીખ 15 જૂન 2026 ના રોજ અધિક જેઠ વદ અમાસના રોજ કરવામાં આવશે.
યજ્ઞના મુખ્ય યજમાન હાલોલ કણજરીના અશોકભાઈ રમણભાઈ પટેલ તથા સહ પરિવાર હસ્તે ઈલેશભાઈ અશોકભાઈ પટેલ છે. જેના પ્રેરક ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા આયોજક મુખ્ય કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી છે.
