Botad: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ (પુરુષોત્તમ માસ) નિમિત્તે વિશેષ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.
અધિક માસમાં 'મારા દાદાને અધિક શણગાર'ની વિશેષ સેવા અંતર્ગત આજે રવિવારના રોજ દાદાના દરબારમાં ભક્તિ અને કલાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે શ્રીકષ્ટભંજનદેવ દાદાને અત્યંત દિવ્ય અને આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ સાથે જ દાદાના મુખ્ય સિંહાસનને ગુલાબના સુગંધિત ફૂલોનો ઉપયોગ કરીને અત્યંત કલાત્મક અને નયનરમ્ય રીતે સજાવવામાં આવ્યું હતું.
દાદાના ચરણોમાં કાજુકતરી, બરફી, પેંડા અને સુખડી સહિતની અનેક અવનવી મીઠાઈઓનો ભવ્ય છપ્પન ભોગ અન્નકૂટ, 200 કિલો જાંબુ, 108 સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગલમય શણગાર આરતી કરવામાં આવી હતી.
રવિવારની રજા અને પવિત્ર માસ હોવાથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો સાળંગપુરધામ ખાતે ઉમટી પડ્યા હતા અને દાદાના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પારિવારિક શાંતિ માટે ‘શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ’
પવિત્ર અધિક માસ નિમિત્તે મંદિરના પટાંગણમાં ભક્તોના પારિવારિક સુખ અને શાંતિ અર્થે એક વિશેષ ‘શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ યજ્ઞ આજ રોજ તા. 17 મે થી શરૂ થઈને આગામી તા. 15 જૂન 2026 સુધી સતત ચાલશે. યજ્ઞનો સમય દરરોજ સવારે 9 થી 12 અને બપોર પછી 3 થી સાંજના 6:30 વાગ્યા સુધીનો રહેશે. જેનો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા આહુતિ આપાશે.
