સુરતમાં માંતેલા સાંઢ માફક દોડતા ડમ્પરોનો ત્રાસઃ ગણપતિનું ડેકોરેશન જોવા નીકળેલા બે મિત્રોને ઉડાવ્યા, ટાયર નીચે આવી જતાં એકનું મોત

સુરતમાં ભાઠેના બ્રિજ પાસે મનપાના ડમ્પર ચાલકે ગણેશ ડેકોરેશન જોવા નીકળેલા બે મિત્રોને અડફેટે લીધા. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો, ડ્રાઈવરની અટકાયત.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 08 Sep 2026 06:21 PM (IST)Updated: Tue, 08 Sep 2026 06:21 PM (IST)
surat-news-youth-dies-in-fatal-accident-involving-smc-dumper-during-ganesh-utsav

Surat Accident: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વાહનો દ્વારા અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આવો જ વધુ એક બનાવ શહેરના ભાઠેના બ્રિજ પાસે બન્યો છે. જેમાં ગણેશ પ્રતિમાનું ડેકોરેશન જોવા ગયેલા બે મિત્રોને મનપાના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આવનાર ગણેશોત્સવના પગલે 6 મિત્રો પોતાના બાઈક પર શ્રીજીની પ્રતિમાનું ડેકોરેશન જોવા માટે નીકળ્યા હતા. આ યુવકો પોતાની સોસાયટીમાં શ્રીજીની સ્થાપના કરતા હોવાથી તેમણે અગાઉથી મૂર્તિ બુક કરાવી દીધી હતી અને 10 સપ્ટેમ્બરે શ્રીજીનું આગમન થવાનું હતુ.

આથી તેઓ શ્રીજીની પ્રતિમાનું ડેકોરેશન નિહાળવા માટે ભાઠેના બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી માંતેલા સાંઢની માફક ધસી આવેલા મનપાના કચરાના ડમ્પર ચાલકે બાઈક સવાર બે મિત્રોને ઉલાળ્યા હતા.

આ અકસ્માતમાં બાઈક પરથી નીચે પટકાયેલા શંકર ચરાઠે (26) નામનો યુવક ડમ્પરના પાછળના વ્હીલ નીચે ચગદાઈ જતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે સાગર ઋષિ નામના અન્ય યુવક ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બીજી તરફ આ ઘટનાની જાણ થતા સલાબતપુરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પરના ડ્રાઈવર પ્રમોદ યાદવની અટકાયત કરી છે. ડ્રાઈવર નશામાં હતો કે કેમ તેની ખાતરી કરવા માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શંકર ઑનલાઈન કામ કરતો હતો અને તેના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. હાલ તો તેના અકાળે અવસાનથી તેના 8 મહિનાના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત મચી જવા પામ્યો છે.