અંબાલાલ પટેલની આગાહીઃ 10 સપ્ટેમ્બરથી નવી મજબૂત સિસ્ટમ સક્રિય થશે, અમદાવાદ સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદના સંકેત

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10 સપ્ટેમ્બરથી નવી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. આ સિસ્ટમથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, અલ નીનોની અસર છતાં.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 08 Sep 2026 05:55 PM (IST)Updated: Tue, 08 Sep 2026 05:55 PM (IST)
ambalal-patel-weather-forecast-heavy-rainfall-from-september-10-west-saurashtra-on-alert

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું ખૂબ જ નબળું રહ્યું છે. 'અલ નીનો'ની અસરના કારણે વરસાદી સિસ્ટમો ગુજરાત સુધી પહોંચીને ઉત્તર દિશામાં ફંટાઈ જવાના કારણે અપેક્ષા પ્રમાણે વરસાદ નથી વરસ્યો. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ખેંચાતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતરૂપ આગાહી કરી છે.

મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 5 ઈંચથી વધુ વરસાદ પડી શકે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી અલ નીનોના કારણે ગુજરાતમાં વરસાદ નથી પડી રહ્યો અને આવનારા ફેબ્રુઆરી મહિના સુધી તેની અસર જોવા મળી શકે છે. આમ છતાં આજથી બે દિવસ બાદ એટલે કે 10 સપ્ટેમ્બરની આસપાસ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે.

'અલ નીનો'ની ઘાતક અસર વચ્ચે બંગાળના ઉપસાગરમાં બનતી વરસાદી સિસ્ટમ દક્ષિણા વર્તી હોવાથી મધ્ય પ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં પ્રવેશ કરશે. જેના પરિણામે મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે.

આ વરસાદી સિસ્ટમને અલ નીનો અસર ના કરે, તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 5 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે.

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ મજબૂત સિસ્ટમ રાજસ્થાન તરફ ના ફંટાય, તો અરબ સાગરમાં જઈ શકે છે. જેના પરિણામે વરસાદથી વંચિત પશ્ચિમ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને જામનગર જેવા જિલ્લાઓમાં પણ સારો વરસાદ પડી શકે છે.

આ સપ્તાહના અંતે હસ્ત નક્ષત્રમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આગામી 5 ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે અને હવાના હળવા દબાણ ઉભા થશે. એટલે ઓક્ટોબર મહિનામાં પણ ધીમે-ધીમે વરસાદી સિસ્ટો બનવાથી વરસાદ પડવાની શક્યતા રહેશે. નવેમ્બર મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે. તેમજ અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા છે. જો ઉત્તર અરબ સાગર સક્રિય થાય, તો તેના ભેજના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.