SSC CHSL Recruitment 2026: કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને કચેરીઓમાં સરકારી નોકરી મેળવવા માંગતા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી (10+2) લેવલ પરીક્ષા (CHSL 2026) માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 2536 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ માટે લાયક ઉમેદવારો આગામી 7 ઓક્ટોબર, 2026 સુધી સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ (https://ssc.gov.in) પર અરજી કરી શકશે, જ્યારે 8 ઓક્ટોબરે રાતે 11 વાગ્યા સુધી ઉમેદવારો ફી ચૂકવી શકશે. તેમજ અરજીમાં સુધારા-વધારા કરવા માટે 14 થી 16 ઓક્ટોબર સુધી ઉમેદવારોને તક આપવામાં આવશે.
ક્યા પદો પર ભરતી થશે અને કેટલો પગાર મળશે?
આ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા મુખ્યત્વે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ગ્રુપ 'સી' (Group C)ના લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC), જુનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ (JSA) અને ડેટા એન્ટ્રી ઑપરેટર (DEO) સહિતની કુલ 2537 જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે.
પગાર ધોરણની વાત કરીએ તો, લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) / જુનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ (JSA)ના પદ માટે ઉમેદવારોને પે લેવલ-2 (Pay Level-2) મુજબ રૂ. 19,900 થી રૂ. 63,200 પગાર મળવાપાત્ર રહેશે
ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)ના પદ માટે વિભાગ અથવા પોસ્ટના આધારે પે લેવલ-4 (Pay Level-4) મુજબ રૂ. 25,500 થી રૂ. 81,100 અથવા પે લેવલ-5 (Pay Level-5) મુજબ રૂ. 29,200 થી રૂ. 92,300 નું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે.
લાયકાત અને અરજી વખતે કંઈ બાબતોનું ધ્યાન રાખવું
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ધોરણ 12 (10+2) કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. વિવિધ આરક્ષિત વર્ગો જેવા કે એસસી (SC) / એસટી (ST)ને વયમર્યાદામાં 5 વર્ષની, ઓબીસી (OBC)ને 3 વર્ષની અને દિવ્યાંગ ઉમેદવારો (PwBD)ને 10 થી 15 વર્ષ સુધીની છૂટછાટ નિયમોનુસાર મળવાપાત્ર રહેશે.
આ ઉપરાંત સામાન્ય અને અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 100/- નક્કી કરવામાં આવી છે. જો કે મહિલા ઉમેદવારો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), દિવ્યાંગો (PwBD) અને માજી સૈનિકો (ESM) ને નિયમાનુસાર કોઈપણ ફી ભરવાની રહેશે નહીં
ઉમેદવારોએ આ ભરતી માટે નવી સત્તાવાર વેબસાઈટ (https://ssc.gov.inપર વન-ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) કરવું ફરજિયાત છે
અરજી પત્રક ભરતી વખતે ઉમેદવારનો લાઈવ ફોટોગ્રાફ કેપ્ચર કરવામાં આવશે, જેમાં ઉમેદવારે ચશ્મા કે ટોપી પહેરેલી ના હોવી જોઈએ.
અપૂરતી કે ખોટી માહિતી વાળી અરજીઓ રદ્દ કરવામાં આવશે.
ઉમેદવારોની સુવિધા અને ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે કમિશન દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1800-309-3063 પણ કાર્યરત કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, ઉમેદવારો ગુજરાતી ભાષામાં પણ પરીક્ષા આપી શકશે.
