JNVST 2027 Admission: નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા શૈક્ષણિક વર્ષ 2027-28 માટે ધોરણ 9 અને 11માં પ્રવેશ માટે ઑનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
જે વાલી પોતાના બાળકનું નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 અથવા 11માં એડમિશન મેળવવા માંગતા હોય, તેઓ લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ 2027 માટે ઑનલાઈન અરજી કરી શકે છે. આ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે.
પ્રવેશ પરીક્ષા માટે લાયકાત
ધોરણ 9માં એડમિશન માટે વિદ્યાર્થીનો જન્મ 1 મે 2012થી 31 જુલાઈ, 2014ની વચ્ચે થયેલો હોવો જોઈએ. આ સાથે વિદ્યાર્થી એ જિલ્લામાં રહેતો હોવો જોઈએ, જ્યાં નવોદય વિદ્યાલય આવેલી હોય. આ ઉપરાંત વિદ્યાર્થી હાલ ધોરણ 8માં ભણતો હોય તે ફરજિયાત છે. જે વિદ્યાર્થી ધોરણ 8 પાસ કરી ચૂક્યા હોય, તેઓ અરજી નહીં કરી શકે.
આવી જ રીતે ધોરણ 11માં એડમિશન માટે વિદ્યાર્થી 10માં ધોરણમાં અભ્યાસ કરતો હોવો આવશ્યક છે. તેમજ વિદ્યાર્થીનો જન્મ 1 જૂન 2010થી 31 જુલાઈ 2012ની વચ્ચે થયેલો હોવો જોઈએ. જે વિદ્યાર્થી ધોરણ 10 પાસ કરી ચૂક્યા હોય, તેઓ અરજી કરવાને લાયક નથી.
કોઈ પણ ફી વિના ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
નવોદયા વિદ્યાલયમાં પ્રવેશની પરીક્ષા માટે વાલીઓ કે વિદ્યાર્થીઓએ અરજી કરતી વખતે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. આ માટે વાલી કે વિદ્યાર્થી જાતે જ ઘરે બેઠા ઑનલાઈન ફોર્મ ભરી શકે છે. તમારી સરળતા માટે અમે અરજી કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ.
નવોદય વિદ્યાલયમાં એપ્લિકેશન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ navodaya.gov.in પર જાવો
વેબસાઈટના હોમ પેજમાં જ્યાં ધોરણ 9 અથવા 10 માટે અરજી કરવું જણાય, તે લિંક પર ક્લિક કરો
જે બાદ નવા પોર્ટલ પર આવેલી રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો
હવે તેમાં માંગવામાં આવેલી જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરી લો
જે બાદ સહી, ફોટોગ્રાફ વગેરે અપલોડ કરી દો
હવે ભરાઈ ગયેલું ફોર્મ એકવાર ચેક કરીને સબમિટ કરી દો
છેલ્લે સંપૂર્ણ ભરાયેલા ફોર્મની પ્રિન્ટ આઉટ નીકાળી દો
પરીક્ષાની તારીખ અને પેટર્ન
જણાવી દઈએ કે, નવોદય વિદ્યાલય સમિતિ તરફથી ધોરણ 9 અને 11 માટે પ્રવેશ પરીક્ષા દેશભરના નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રો પર 10 એપ્રિલ, 2027ના રોજ લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને 100 જેટલા અલગ-અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પ્રશ્નપત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં હશે, જેના માટે વિદ્યાર્થીને અઢી કલાકનો સમય આપવામાં આવશે. એક્ઝામ સાથે સંકળાયેલી વધુ વિગતો માટે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત લઈને માહિતી મેળવી શકે છે.
