JNVST Class 6 Admission 2027: નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશની જાહેરાત, નિઃશુલ્ક શિક્ષણ માટે 31 જુલાઈ સુધી અરજી કરી શકાશે

જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સત્ર 2027-28 માટે ધોરણ 6માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં 31 જુલાઈ 2026 સુધી અરજી કરી શકાશે. આ શાળાઓ ગ્રામીણ બાળકોને મફત શિક્ષણ, રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 10 Jul 2026 06:00 AM (IST)Updated: Fri, 10 Jul 2026 06:00 AM (IST)
jnvst-class-6-admission-2027-navodaya-vidyalaya-online-registration-form-exam-pattern-and-last-date

JNVST Class 6 Admission 2027: ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત જવાહર નવોદય વિદ્યાલયોમાં શૈક્ષણિક સત્ર 2027-28 માટે ધોરણ 6માં પ્રવેશ (Navodaya Vidyalaya Class 6 Admission 2027) મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી બાળકોને ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવતી આ શાળાઓમાં રહેવા, જમવા અને ભણવાની સુવિધા સંપૂર્ણપણે મફત પૂરી પાડવામાં આવે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ

નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા (JNVST) 2027 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. આ પ્રવેશ પરીક્ષા સમગ્ર દેશમાં 28 નવેમ્બર 2026 ના રોજ યોજાશે.

 કોણ અરજી કરી શકે?

પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે નીચે મુજબની પાત્રતા હોવી અનિવાર્ય છે:

  • વિદ્યાર્થી જે-તે જિલ્લાનો વતની હોવો જોઈએ અને હાલમાં શૈક્ષણિક સત્ર 2026-27 દરમિયાન તેજ જિલ્લાની સરકારી કે માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થીનો જન્મ 01 મે 2015 થી 31 જુલાઈ 2017 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
  • વિદ્યાર્થીએ અગાઉના વર્ષોમાં ધોરણ 3 અને 4 સળંગ પૂર્ણ શૈક્ષણિક સત્ર સાથે પાસ કરેલા હોવા જોઈએ.
  • કોઈપણ વિદ્યાર્થી બીજી વાર આ પ્રવેશ પરીક્ષા આપી શકશે નહીં.

 

જરૂરી દસ્તાવેજો

ઓનલાઇન અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજોની સોફ્ટ કોપી (10 થી 100 kbની સાઈઝમાં JPG ફોર્મેટમાં) તૈયાર રાખવી:

  • વિદ્યાર્થીનો તાજેતરનો ફોટોગ્રાફ.
  • વાલીની સહી.
  • વિદ્યાર્થીની સહી.
  • આધાર કાર્ડની વિગતો અથવા સક્ષમ સરકારી અધિકારી દ્વારા આપવામાં આવેલ વાલીનું રહેઠાણનું પ્રમાણપત્ર. 

ગુજરાતમાં બેઠકોની સ્થિતિ અને વિશેષ વિગતો

ગુજરાત રાજ્યમાં શિક્ષણના વ્યાપને વધારવા માટે કુલ 34 જવાહર નવોદય વિદ્યાલયો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં 33 મુખ્ય જિલ્લા વિદ્યાલયો અને 1 વધારાનું વિદ્યાલય (વધુ અનુસૂચિત જાતિ/જનજાતિ વસ્તી ધરાવતા જિલ્લા માટે) કાર્યરત છે. નિયમ મુજબ, દરેક વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ માટે મહત્તમ 80 બેઠકો ઉપલબ્ધ હોય છે. આ મુજબ, સમગ્ર ગુજરાતમાં અંદાજે 2720 જેટલી બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાતના દાહોદ જિલ્લામાં બે વિદ્યાલયો (દાહોદ-1 અને દાહોદ-2) ફાળવવામાં આવ્યા છે, જે ફતેપુરા, સંજેલી, ઝાલોદ, દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડા અને લીમખેડા જેવા વિવિધ બ્લોક્સના વિદ્યાર્થીઓને આવરી લે છે.

ઉલ્લેખનીય છે કે, કુલ બેઠકોના 75 ટકા બેઠકો ગ્રામીણ વિસ્તારના બાળકો માટે અનામત રાખવામાં આવે છે, જ્યારે બાકીની બેઠકો મેરિટના આધારે ભરવામાં આવે છે,. રસ ધરાવતા વાલીઓ વધુ માહિતી માટે નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in ની મુલાકાત લઈ શકે છે.