Surat: શહેરની સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી મહિલા તબીબને દિલ્હી ગેટ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હેમરેજ થવાથી મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના મહીધરપુરા વિસ્તારની કંસારા શેરીમાં રહેતી શેફાલી આશિષભાઈ ક્લાયગર (26) છેલ્લા 11 મહિનાથી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં તબીબ તરીકે ફરજ બજાવતી હતી. ગત 1 ડિસેમ્બરના રોજ પોતાનું મોપેડ લઈને નોકરી પરથી ઘર તરફ જઈ રહી હતી.
આ દરમિયાન દિલ્હી ગેટ નજીક તેને અકસ્માત નડ્યો હતો. જેથી ગંભીર હાલતમાં શેફાલીને પ્રથમ સ્મીમેર હોસ્પિટલમાં ત્યાંથી વધુ સઘન સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બાબતે મૃતકના સબંધી અનિષભાઈએ જણાવ્યું કે, સોમવારે બપોરે 4 વાગ્યાની આસપાસ મારા સાળાની દીકરી શેફાલી સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવીને મહીધરપુરા સ્થિત ઘરે જવા નીકળી હતી. આ દરમિયાન રીંગ રોડ પરની બ્રિજ ઉતરી દિલ્હી ગેટ ગઈ, ત્યાં અજાણ્યા વાહને ટક્કર મારી હશે કે પછી અકસ્માતે તેનું મોપેડ સ્લીપ થવાથી તે પડી ગઈ હશે. જેના કારણે શેફાલીને માથામાં હેમરેજ થઈ ગયું હતુ.
આથી સૌ પ્રથમ તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે INS હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન શેફાલી મોતને ભેટી છે. હજુ સુધી શેફાલીનો અકસ્માત ક્યાં કારણોસર થયો તે જાણી શકાયું નથી.
