Surat: અલથાણના બંગલામાં ચોરી કરનાર ઘરઘાટી 2 વર્ષે ઈન્દોરથી પકડાયો, મહિલા સાગરિત સાથે બાઈક પર સુરત આવી ચોરીને અંજામ આપી ભાગ્યો હતો

સુરતના અલથાણ વિસ્તારમાં બે વર્ષ પહેલાં 13.94 લાખની ચોરી કરનાર ઘરઘાટી આરોપીને ક્રાઈમ બ્રાંચે ઈન્દોરથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની મહિલા સાગરિત સાથે મળીને ધનિક પરિવારોના બંગલાઓને નિશાન બનાવતો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 21 Sep 2026 11:19 PM (IST)Updated: Mon, 21 Sep 2026 11:19 PM (IST)
surat-althan-bungalow-burglary-servant-captured-in-indore-with-female-accomplice

Surat Althan Bungalow Theft Case: શહેરના અલથાણ વિસ્તારમાં બે વર્ષ અગાઉ ઘરઘાટી તરીકે રહી 27 તોલા વજનના સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 56 હજાર મળી કુલ 13.94 લાખની ચોરી કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે નવા ગુનાને અંજામ આપે તે પહેલા જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્ય પ્રદેશના ઇન્દોર શહેર ખાતે આરોપી લોકેશ ઉર્ફે રાહુલ સવાભાઈ કીર (26)ને ઝડપી પાડયો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે પોતાની મહિલા સાગરિત સીમા ઉર્ફે આરતી સાથે મળીને બાઈક પર વતનથી સુરત શહેરમાં આવ્યો હતો.

તેઓએ ગત 12-10-2024ના રોજ અલથાણ વિસ્તારમાં આવેલા ઉમિયા બંગ્લોઝમાં ઘરઘાટી તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું અને કામે રહ્યાના માત્ર બે દિવસ બાદ જ બંગલામાંથી આશરે 27 તોલા વજનના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા 56 હજાર મળી કુલ 13.94 લાખની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તેઓ રાજસ્થાન ભાગી ગયા હતા અને ત્યાં કોઈ જવેલર્સની દુકાનમાં આ દાગીના વેચી દીધા હોવાની કબૂલાત કરી હતી

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી લોકેશ પોતાની મહિલા સાગરીત સીમા સાથે મળીને ધનિક પરિવારોના બંગલાઓને ટાર્ગેટ કરતો હતો. તેઓ આવા બંગલાઓમાં પતિ-પત્ની તરીકેની ખોટી ઓળખ આપીને નોકર [ઘરઘાટી] તરીકે કામે રહેતા હતા. આરોપી પોતાની ઓળખ રાહુલ અથવા પ્રવિણ તરીકે અને મહિલા પોતાની ઓળખ આરતી તરીકે આપતી હતી.

કામે રહ્યાના થોડા જ દિવસોમાં મોકો જોઈ તેઓ પેચીયા અને પાનાની મદદથી કબાટના તાળા તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી ફરાર થઇ જતા હતા. તેમજ ગુનાને અંજામ આપવા અને ભાગવા માટે તેઓ પોતાની બાઈકનો ઉપયોગ કરતો હતો

ચોરી કર્યા બાદ તેઓ દાગીનાને અલગ અલગ શહેરોમાં જવેલર્સને સસ્તા ભાવે વેચીને રોકડી કરી લેતા અને ત્યારબાદ બીજા બંગલાને નિશાન બનાવતા હતા. હાલમાં આ આરોપી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં સ્નેહલતાગંજ સોસાયટીના એક બંગલામાં છેલ્લા દસેક દિવસથી નોકર તરીકે કામે રહ્યો હતો તે ત્યાં પણ ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો, પરંતુ ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ચોરી કરે તે પહેલા જ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી

વધુમાં આરોપીના જણાવ્યા મુજબ તેની સહ આરોપી સીમા ઉર્ફે આરતી તેને છોડીને અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે. અગાઉ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો આચર્યા બાદ આ આરોપી રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં ચેઈન સ્નેચિંગ અને લૂંટના ત્રણ ગુનાઓમાં પણ ઝડપાઈ ચુક્યો છે. આ આરોપી એક રીઢો ગુનેગાર છે, જેણે ભૂતકાળમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પણ ગુનો નોંધાયેલો છે. આરોપી સામે રાજસ્થાન,અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં ચોરી, ચેઈન સ્નેચિંગ/લૂંટ મળી કુલ 10 ગુના નોંધાયેલા છે.