Gujarat Rain Update: દેશમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે જતાં-જતાં મેઘરાજા ગુજરાત પર પોતાનું હેત વરસાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. એમાં પણ કોઈ-કોઈ ભાગોમાંથી ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ રાજ્યના 45 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ, આણંદના બોરસદમાં 2 ઈંચ ખાબક્યો
છેલ્લા ત્રણેક દિવસથી વરસાદની એક પેટર્ન રહી છે. જેમાં સવારના સમયે ભડકા જેવો તડકો જોવા મળે છે. જો કે જેમ-જેમ દિવસ વીતતો જાય, તેમ-તેમ વરસાદી માહોલ જામે છે. ખાસ કરીને બપોર બાદ છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે.
આજે પણ બપોરે 2 વાગ્યા પછી સાબરકાંઠાના વડાલી, છોટા ઉદેપુર અને દાહોદના લીમખેડામાં હળવું ઝાપટું પડ્યું હતુ. જો કે 4 વાગ્યા બાદ વરસાદના વિસ્તારો અને તીવ્રતામાં સહેજ વધારો જોવા મળ્યો હતો.
જેમાં સૌથી વધુ 53 મી.મી (2.09 ઈંચ) વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં ખાબક્યો હતો. આ સિવાય સોજીત્રામાં 32 મી.મી (1.2 ઈંચ), વલસાડના કપરાડામાં 31 મી.મી (1.2 ઈંચ), સાબરકાંઠાના વડાલીમાં 31 મી.મી (1.2 ઈંચ) વરસાદ પડ્યો હતો.
જ્યારે રાજકોટના લોધિકામાં 23 મી.મી, દાહોદના લીમખેડામાં 17 મી.મી., પંચમહાલના જાંબુઘોડામાં 16 મી.મી., કાલોલમાં 15 મી.મી., ઘોઘંબામાં 14 મી.મી. અને બોટાદના ગઢડામાં 14 મી.મી. વરસાદ નોંધાયો છે.
જ્યારે રાતે 8 થી 10 વાગ્યા સુધીના વીતેલા 2 કલાકમાં માત્ર 3 તાલુકામાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે. જેમાં રાજકોટના ગોંડલમાં 11 મી.મી., વલસાડના નાનાપોંઢામાં 6 મી.મી. અને કપરાડામાં 5 મી.મી જેટલો ધીમીધારે વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં સિઝનનો 88 ટકા વરસાદ નોંધાયો
આ વર્ષે અલનીનોની અસરના કારણે ચોમાસું શરૂઆતથી જ નબળું રહ્યું હોવા છતાં ગુજરાતમાં સિઝનનો 88 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જે પૈકી સૌથી વધુ 114 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો છે. આ સિવાય પૂર્વ મધ્યમાં 89.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 70 ટકા તેમજ સૌરાષ્ટ્રમાં 68 ટકા અને કચ્છમાં માંડ 57 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
