Surat: પલસાણામાં ઘરકંકાશનો કરુણ અંજામ, માથાકૂટ થયા બાદ પતિ ઊંઘી જતાં પત્નીનો ફાંસો ખાઈ આપઘાત

સુરતના ઉધના અને લસકાણામાં પણ આવા જ આપઘાતના બે બનાવો બન્યા. જેમાં પત્ની સાથે ઝઘડો થતાં માનસિક તણાવમાં આવેલા બે પતિઓએ જીવનલીલા સંકેલી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 05 Oct 2025 04:46 PM (IST)Updated: Sun, 05 Oct 2025 04:46 PM (IST)
surat-news-wife-commit-suicide-after-fight-with-husband-in-palsana
HIGHLIGHTS
  • ઝઘડો થતાં પતિ જમીન પર ઊંઘ્યો અને રિસાયેલી પત્ની પલંગ પર સૂઈ ગઈ હતી
  • સવારે રસોડામાં પત્નીને ઓઢણી સાથે લટકતી હાલતમાં જોઈને પતિ હેબતાઈ ગયો

Surat: સુરત જિલ્લાના પલસાણામાં ઘરકંકાશમાં આપઘાતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પરપ્રાંતિય દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ પતિ ઊંઘી ગયો હતો. આ દરમિયાન પત્નીએ રસોડામાં ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.

આ અંગ પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બિહારના મુંગેર જિલ્લાના વતની રાજદેવ મંડલ છેલ્લા અઢી મહિનાનાથી પલસાણા સ્થિત ઉર્મિલાનગરમાં પોતાની પત્ની પિન્કી (22) સાથે રહેતા હતા. અહીં રાજદેવ મંડલ પલસાણા ચાર રસ્તા પર આવેલ ટી.એમ. પટેલ મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

તાજેતરમાં દશેરાના તહેવાર નિમિત્તે મિલમાં રજા હોવાથી રાજદેવ મંડલ પલસાણા બજારમાં દુર્ગા વિસર્જનની રેલી જોવા ગયો હતા. જ્યાંથી ઘરે આવતા જ પિન્કીએ પણ પોતાને બહાર લઈ જવાની જિદ કરી હતી. જો કે રાજદેવ મંડલે ઈન્કાર કરતાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.

જે બાદ રાજદેવ રૂમમાં જમીન પર સૂઈ ગયો હતો, જ્યારે પત્ની પિન્કી પલંગ પર સૂતી હતી. આ દરમિયાન પિન્કીને મનમાં લાગી આવતા તેણીએ રસોડાની છતમાં રહેલા હુક સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

રાતે 8 વાગ્યાની આસપાસ રાજદેવ મંડલની આંખ ઉઘડતા તેણે પત્ની પિન્કીને પલંગ પર ના જોતા શોધવા માટે રસોડામાં ગયો હતો. જ્યાં પત્નીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈએ હેબતાઈ ગયો હતો. જે બાદ તાત્કાલિક રાજદેવ મંડલે ચપ્પુ વડે ઓઢણીનો છેડો કાપીને પત્નીને નીચે ઉતારીને પોતાની સાળીને ફોન કરીને જાણ કરી હતી.

પત્ની સાથે માથાકૂટ બાદ લસકાણા અને ઉધનામાં પતિઓનો આપઘાત
લસકાણા સ્થિત વિપુલનગર ખાતેની હોટલમાં રહીને ત્યાં જ રસોઈયા તરીકે કામ કરતા મણીલાલ મર્કંડ રાવ (34)એ બે દિવસ પૂર્વે હોટલના રૂમમાં હુકમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે સ્મિમેર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં મણીલાલને વતન ઓડિશામાં રહેતી પત્ની સાથે ફોન પર ઝઘડો થયો હતો. જે બાદ તે સતત ટેન્શનમાં રહેતો હતો. જેના કારણે તેણે અંતિમ પગલું ભર્યું છે.

આવો જ વધુ એક બનાવ ઉધના વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની સાગર આહીરે (30) હરીનગર નજીકની સહયોગ સોસાયટીમાં પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. સાગરનો પણ પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થતાં લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે.