Diabetes Signs In Feet: ડાયાબિટીસ એક એવી લાઈલાજ બીમારી છે, જે મોટાભાગે શરીરના દરેક અંગે અસર કરે છે. જો કે હંમેશા આ બીમારીની શરૂઆત એટલી ધીમી હોય છે કે, વ્યક્તિને તેની ખબર જ નથી પડતી. જો કે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ બીમારીની શરૂઆતના સંકેત આપણને આપણા પગમાં જ જોવા મળે છે.
હકીકતમાં પગ આપણા શરીરનું એક એવું અંગે છે, જેના પર આપણે સૌથી ઓછું ધ્યાન આપતા હોઈએ છીએ. જો કે ડાયાબિટીસના કેસમાં પગ વૉર્નિંગ સિસ્ટમની માફક કામ કરે છે.
આ પણ વાંચો
ડાયાબિટીસના દર્દીઓમાં ઈસ્યુલિન નથી બની શકતું, જેના પરિણામે બ્લડ સુગર લેવલ વધી જાય છે. જો તેને સાધારણ સમજીને અવગણવામાં આવે, તો આ સ્થિતિ જીવલેણ નીવડી શકે છે. આથી જ સમયસર ડાયાબિટીસના લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી થઈ ગયું છે. બ્લડ સુગરનું લેવલ વધવા પર પગમાં ઈજાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ થાય તો પગ સુધી બ્લડ ફ્લો ઓછો પહોંચે છે, જેના પરિણામે પગ સુન્ન પડી જાય છે અને આ સાથે જ અન્ય અનેક સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણીએ ડાયાબિટીસ થવા પર પગમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે
પગમાં દુખાવો અને કળતર
ડાયાબિટીક ન્યૂરોપેથી પગની નસોને નુકસાન પહોંચાડે છે. જેના પરિણામે પગમાં દુખાવો અને કળતર થયા કરે છે. ઘણી વખત પગ સુન્ન અર્થાત બહેરા પણ થઈ જતા હોય છે. જેના રિણામે પાચન, યુરિનરી ટ્રેક્ટ, બ્લડ સરક્યુલેશન અને હાર્ટ પર વિપરિત અસર પડે છે. આવા લક્ષણને પણ સાધારણ સમજીને ઈગ્નોર કર્યાં વિના તાત્કાલિક તબીબને બતાવવું જોઈએ.
એથલીટ્સ ફૂટ પ્રોબ્લેમ
ડાયાબિટીસમાં પગની નસોને નુક્સાન થવા કારણે એથલીટ ફૂટની સમસ્યા પણ થઈ શકે છે, જે એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન હોય છે. જેના પરિણામે પગમાં ખંજવાળ કે લાલ ચકામા જેવી સમસ્યા થઈ શકે છે. આવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.
પગમાં ચાંદા પડવા
15 ટકા ડાયાબિટીસના દર્દીઓના પગમાં ચાંદા પડવાની સમસ્યા જોવા મળે છે. જેના પરિણામે આખી ચામડી ખુલ્લી હોય તેવું લાગે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં તો પગ કાપવો પડે તેવી સ્થિતિ પણ ઉભી થઈ જતી હોય છે. આજ કારણોસર બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખવું અત્યંત જરૂરી બની જાય છે.
પગમાં સોજા
ડાયાબિટીસના કારણે પગમાં ફ્રેક્ચર પણ થઈ શકે છે. જેમાં પગના પંજા કે એડીમાં લાલાશ કે સોજા જેવા અન્ય લક્ષણો સ્પષ્ટ જોવા મળી જાય છે. જો લાંબા સમય સુધી આવા સોજા રહે, તો તેને ઈગ્નોર કર્યાં વિના તબીબની સલાહ લેવી જોઈએ.
નખમાં ફંગલ ઈન્ફેક્શન
ડાયાબિટીસના દર્દીઓમાં નખમાં પણ ફંગલ ઈન્ફેક્શન થવાનો ખતરો રહે છે. જેમાં નખનો રંગ અચાનક બદલાઈ જવો, નખ કાળા પડી જવા કે નખ આડા-અવળા થઈ જવાની સમસ્યા થઈ શકે છે. ઘણીં વખત તો કોઈ ઈજાના કારણે પણ નખમાં ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. આ સિવાય ડાયાબિટીસ થવા પર ઘણી વખત પગનો આકાર પણ બદલાઈ જતો હોય છે.
