Surat News: ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ઉપરવાસમાંથી પાણીની ઓછી આવક સહિતના વિવિધ પરિબળોને કારણે સુરતના કોઝવેના ઉપરવાસમાં પાણીના જથ્થા પર અસર પડી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોઝવેમાં પાણીની સપાટી ઘટતાં નદીના ઉપરવાસ વિસ્તારમાં જળકુંભીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, પાણીનું સ્તર નીચે જતાં તેની ગુણવત્તા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ જળકુંભીની સફાઈ અને પાણીની ગુણવત્તા જાળવવા માટે કવાયત તેજ કરી છે. પાણીનો જથ્થો વધારવા ઉકાઈ ડેમ ઓથોરિટી પાસે 1,500 ક્યુસેક પાણી છોડવા પત્ર લખ્યો છે સાથે જ બે હાઈટેક મશીનની મદદથી દરરોજ 30થી 35 ક્યુબિક મીટર જળકુંભી દૂર કરવામાં આવી રહી છે.
30થી 35 ક્યુબિક મીટર જળકુંભી દૂર કરાય છે
આ પણ વાંચો
કોઝવેના ઉપરવાસમાં નદીના પટની આસપાસ મોટા પ્રમાણમાં જળકુંભી એકઠી થવાની સમસ્યા વારંવાર સામે આવે છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં જળકુંભીનો ઉપદ્રવ વધતાં સ્થિતિ વધુ ચિંતાજનક બને છે. છેલ્લા કેટલાક દિવસોથી કોઝવેમાં પાણીનું સ્તર ઘટવાની સાથે જળકુંભી દેખાવા લાગતાં મહાનગરપાલિકાએ તાત્કાલિક સફાઈ કામગીરી તેજ કરી છે. આ માટે કોઝવે અને અમરોલી બ્રિજની નીચે બે ડિવિડર મશીન પાણીમાં ઉતારવામાં આવ્યાં છે. બંને મશીન દ્વારા દરરોજ સફાઈ કરવામાં આવે છે, જેમાં અંદાજે 30થી 35 ક્યુબિક મીટર જળકુંભી દૂર કરવામાં આવે છે.
પાણીનો જથ્થો વધારવા મનપાનો ઉકાડ ડેમ ઓથોરિટીને પત્ર
કોઝવેમાં પાણીની સપાટી ઘટીને 5.35 મીટર પર પહોંચી જતાં પાણીનો જથ્થો વધારવા માટે મનપા દ્વારા ઉકાઈ ડેમ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો છે. અગાઉ પણ 1,500 ક્યુસેક પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. હવે ફરી એકવાર આટલા જથ્થામાં પાણી છોડવાની માંગણી કરવામાં આવી છે. મનપા દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે પાણી છોડવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. કોઝવેના ઉપરવાસમાં જળકુંભીની સમસ્યા અને પાણીની ગુણવત્તા અંગે ઊભી થયેલી ચિંતાઓ દૂર કરવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મનપા તંત્ર દ્વારા બે ડિવિડર મશીનો મારફતે તાપી નદીમાંથી જળકુંભીની સફાઇ કરવામાં આવે છે. તે માટે ક્યુબિક મીટરને આધારે એજન્સીને ચૂકવણું કરવામાં આવે છે. તેમાં દર વર્ષે 35થી 40 લાખનો ખર્ચ થતો હોવાનો અંદાજ કાઢવામાં આવે છે. 2020-21માં 16.03 લાખ, 2021-22માં 37.98 લાખ. 2022-23માં 47.50 લાખ, 2023-24માં 33.83 લાખ. 2024-25મા 42.76 લાખ. 2025-26માં જૂન સુધીમાં 35.68 લાખનો ખર્ચ થયો છે. પાછલા પાંચ વર્ષમાં 40041 ઘનમીટર જળકુંભીની સફાઇ સાથે 2.17 કરોડનું ચુકવણું કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
