Surat: 'ડાયમંડ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. વસંત પંચમી એટલે કે વિદ્યાની દેવી માં સરસ્વતીની આરાધનાનો દિવસ, પરંતુ સુરતના વેડરોડ વિસ્તારમાં આ પવિત્ર અવસર પર મર્યાદાના લીરેલીરા ઉડ્યા હોવાનું સામે આવ્યું છે. એક ધાર્મિક કાર્યક્રમમાં સ્ટેજ પર અશ્લીલ ડાન્સ પીરસવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હકીકતમાં સુરતના વેડરોડ પર આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમી નિમિત્તે સરસ્વતી પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ પર બે મહિલાઓ દ્વારા ફિલ્મી ગીતો પર અશ્લીલ ઠુમકા લગાવવામાં આવ્યા હતા. આટલું જ નહીં, કાર્યક્રમમાં હાજર કેટલાક યુવકોએ સ્ટેજ પર જઈને આ મહિલાઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
પરિવારો અને બાળકો વચ્ચે પીરસાઈ અસભ્યતા
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, મહિલાઓ અને નાના બાળકો ઉપસ્થિત હતા. જે સમયે સ્ટેજ પર અભદ્ર ડાન્સ ચાલી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર વડીલો અને પરિવારો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માગ પણ ઉઠી છે.
