Gandhinagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન, રામકથા મેદાનમાં 'અભ્યુદય મહાસંમેલન' મળશે

આજથી 10 વર્ષ અગાઉ ઠાકોર સેનાએ વ્યસન મુક્તિનો મહાકુંભ કર્યો હતો, ત્યારે લોકોને નવાઈ લાગતી હતી. જેના પગલે આજનું યુવાધન શિક્ષણની દિશામાં આગળ વધી રહ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 Jan 2026 04:34 PM (IST)Updated: Sat, 24 Jan 2026 04:34 PM (IST)
gandhinagar-news-thakor-sena-abhyudaya-maha-sammelan-held-on-27th-jan
HIGHLIGHTS
  • અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 27 જાન્યુઆરીએ સવારે 3 વાગ્યે મહાસંમેલન બોલાવાયું
  • કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર પણ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે

Gandhinagar: ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 27મી જાન્યુઆરીના રોજ ઠાકોર સેના દ્વારા ‘અભ્યુદય’ નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી શાંત જણાતી ઠાકોર સેના આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળી રહી છે, જેની સીધી અસર આગામી રાજકીય સમીકરણો પર પડી શકે છે.

તાજેતરમાં ગાંધીનગર ખાતે મળેલી એક મહત્વની બેઠકમાં રાજ્યભરમાંથી 500થી વધુ હોદ્દેદારો અને 1000થી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી એક વર્ષનો 'રોડ મેપ' તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સામાજિક સુધારણા, વ્યસન મુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, આજે ઠાકોર સમાજ જાગી ગયો છે. આજથી 10 વર્ષ અગાઉ અમે જ્યારે વ્યસન મુક્તિની વાત કરી, ત્યારે લોકોને નવાઈ લાગતી હતી. આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે, 80 ટકાથી વધુ લોકો વ્યસન મુક્ત થઈ ચૂક્યા છે. આજનું યુવાધન શિક્ષણની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સંમેલન શિક્ષણ માટે મળી રહ્યું છે.

ગુજરાતની રાજનીતિમાં ઠાકોર સમાજની નિર્ણાયક ભૂમિકા
ગુજરાતની રાજનીતિમાં ઠાકોર સમાજ હંમેશા એક નિર્ણાયક ભૂમિકામાં રહ્યો છે. અગાઉ પણ અલ્પેશ ઠાકોરે અનામત અને વ્યસનમુક્તિ જેવા મુદ્દાઓ ઉઠાવીને પોતાની રાજકીય તાકાતનો પરચો આપ્યો હતો. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આ સંમેલન દ્વારા અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન થકી પોતાની સક્રિયતા સાબિત કરવા માંગતા હોય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થવા લાગી છે.

ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે 2017માં કોંગ્રેસમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ 2019માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. થોડા દિવસ અગાઉ ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ થયું, ત્યારે એમ મનાતું હતું કે, અલ્પેશ ઠાકોરને નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે. જો કે તેમને તક નહતી મળી. આથી ઠાકોર સમાજમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે, સરકારમાં ઠાકોર સમાજના નેતૃત્વની ઉપેક્ષા ના થાય અને તેમને ઉચિત અને અસરકાર સ્થાન મળે.