સુરતીઓના ખિસ્સા પર પડશે ભારઃ હવે ડુમસ સી ફેસ ફરવા જવું મોંઘું પડશે, મનપાની એન્ટ્રી અને પાર્કિંગ ફી વસૂલવાની તૈયારી

સુરત મહાનગરપાલિકા ડુમસ સી ફેસ ખાતે પ્રવેશ અને પાર્કિંગ માટે ફી વસૂલવાની તૈયારી કરી રહી છે, જે અંગે 21 નવેમ્બર, 2026ના રોજ સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થશે. આ પ્રસ્તાવિત ફીમાં 12 વર્ષથી વધુ વયના માટે રૂ. 20 પ્રવેશ ફી અને વાહનો માટે રૂ. 10 થી રૂ. 90 સુધીના પાર્કિંગ ચાર્જનો સમાવેશ થાય છે, જેમાં EV ને મુક્તિ મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Nov 2026 03:29 PM (IST)Updated: Thu, 19 Nov 2026 03:29 PM (IST)
surat-news-visiting-dumas-sea-face-to-get-costlier-smc-proposes-entry-and-parking-fees

Surat: સુરતીઓના લોકપ્રિય પર્યટન સ્થળ ડુમસ સી ફેસ ખાતે ફરવા જવાનું હવે પહેલાં જેટલું મફત નહીં રહે. અત્યાર સુધી અહીં મુલાકાતીઓ માટે પ્રવેશ અને વાહન પાર્કિંગની સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ હતી, પરંતુ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા બંને માટે ફી વસૂલવાની તૈયારી કરવામાં આવી છે.

આ અંગે આગામી 21 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ થવાની છે. વોટર રિસોર્સિસ એન્ડ રિક્રિએશન સેલ દ્વારા તૈયાર કરાયેલી આ દરખાસ્તમાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઝોન-1 માટે પ્રવેશ તથા પાર્કિંગના નવા દર નક્કી કરવામાં આવ્યા છે.

8 માર્ચ, 2026ના રોજ લોકાર્પણ થયા બાદથી ડુમસ સી ફેસ પર મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક વખત અહીં દૈનિક ક્ષમતા કરતાં પણ વધુ લોકો ઉમટી પડતા હોવાથી સુવિધાઓની જાળવણી અને મુલાકાતીઓની સુરક્ષા સામે પડકાર ઊભો થઈ રહ્યો છે. બીજી તરફ વીજળીના બિલ, લેન્ડસ્કેપિંગ માટે પાણીની વ્યવસ્થા અને અન્ય સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે પણ આવકનો સ્ત્રોત ઊભો કરવો જરૂરી બન્યો છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પ્રોજેક્ટને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાના હેતુથી સુરત કિલ્લો, સરથાણા નેચર પાર્ક અને ગોપી તળાવની જેમ ડુમસ સી ફેસ ખાતે પણ ટિકિટ વ્યવસ્થા અમલમાં મૂકવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. RFP પ્રક્રિયા મારફતે નવી એજન્સીની નિમણૂંક ન થાય ત્યાં સુધી પ્રસ્તાવિત ફી દર લાગુ રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

3 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ, EVનો પાર્કિંગ ફીમાંથી મુક્તિ | Dumas Sea Face Entry Fee


દરખાસ્તમાં મુલાકાતીઓની ઉંમરને ધ્યાનમાં રાખીને પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે. 12 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ પ્રતિ દિવસ રૂ. 20 ચૂકવવાના રહેશે. જ્યારે 3થી 12 વર્ષનાં બાળકો અને 65 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે પ્રવેશ ફી રૂ. 10 રાખવાનો પ્રસ્તાવ છે. જો કે ત્રણ વર્ષ સુધીનાં બાળકોને પ્રવેશ માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે.

માત્ર પ્રવેશ જ નહીં, પરંતુ વાહન પાર્કિંગ માટે પણ અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. દરખાસ્ત મુજબ, ફોર વ્હીલર માટે પ્રતિ દિવસ રૂ. 30, થ્રી વ્હીલર માટે રૂ. 25 અને ટુ વ્હીલર માટે રૂ. 10 પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે. આ ઉપરાંત બસ તથા હેવી કોમર્શિયલ વાહનો માટે રૂ. 90નો દર સૂચવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, ઇલેક્ટ્રિક વાહનોને પાર્કિંગ ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે.

હાલમાં આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ વિચારણા માટે રજૂ થવાની છે. સમિતિની મંજૂરી મળ્યા બાદ તેને અંતિમ નિર્ણય માટે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોકલવામાં આવશે. એટલે હવે ડુમસ સી ફેસ ખાતે પ્રવેશ અને પાર્કિંગ માટે ફી વસૂલવાનો નિર્ણય આખરે સત્તાધીશોની મંજૂરી પર નિર્ભર રહેશે.