Surat News: સુરત મહાનગરપાલિકાના કમિશનર રાજકુમાર બેનીવાલના નામ અને ફોટાનો દુરુપયોગ કરીને વોટ્સએપ પર નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખસે અન્ય મોબાઇલ નંબર પર કમિશનરનો ફોટો અને નામ મૂકીને વોટ્સએપ પ્રોફાઇલ તૈયાર કરી છે અને તેના મારફતે મેસેજ મોકલવાનું શરૂ કરતાં મનપા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. આથી કમિશનરના નામે આવતા કોઈપણ અજાણ્યા મેસેજ કે કોલને લઈને સાવચેત રહેવાની જરૂર છે.
મનપા કમિશનરના નામે મેસેજ કે ફોન આવે તો સત્યતા ચકાસવી
સાઈબર ઠગો હવે સરકારી ઉચ્ચ અધિકારીઓની ઓળખનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવી રહ્યા હોવાની આશંકા વચ્ચે આ મામલો ગંભીર બન્યો છે. કમિશનરના નામ અને ફોટાવાળી નકલી પ્રોફાઇલ દ્વારા નાગરિકો અથવા સરકારી અધિકારીઓને વિશ્વાસમાં લઈને નાણાકીય છેતરપિંડી કે અન્ય ગેરરીતિ આચરવાનો પ્રયાસ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મનપા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાજકુમાર બેનીવાલના નામ અને ફોટા સાથે અન્ય કોઈ મોબાઇલ નંબર પરથી મેસેજ કે ફોન આવે તો તેની સત્યતા ચકાસ્યા વિના કોઈ કાર્યવાહી કરવી નહીં.
નાણાકીય વ્યવહાર ન કરવા નાગરિકોને અપીલ
મનપા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કમિશનર કચેરી દ્વારા સત્તાવાર કામગીરી સિવાય વોટ્સએપના માધ્યમથી કોઈ વ્યક્તિગત કે નાણાકીય મદદ માગવામાં આવતી નથી. તેથી આવા મેસેજમાં આવતી અજાણી લિંક પર ક્લિક ન કરવા, ઓટીપી કે બેંક ખાતાની વિગતો કોઈની સાથે શેર ન કરવા અને કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ મામલે મહાનગરપાલિકા દ્વારા સાઈબર ક્રાઈમ વિભાગમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં અગાઉ પણ ઉચ્ચ સરકારી અધિકારીઓની ઓળખનો દુરુપયોગ કરીને લોકોને છેતરવાના પ્રયાસો થઈ ચૂક્યા છે. ભૂતકાળમાં સુરત મનપાના કમિશનર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિત અન્ય અધિકારીઓના નામે નકલી વોટ્સએપ નંબર અને ઈ-મેઇલ આઈડી બનાવી લોકોને સંદેશા મોકલવામાં આવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા હતા.
પૂર્વ મ્યુનિસિપલ કમિશનર નાગરાજનના કાર્યકાળ દરમિયાન પણ આવી જ પ્રકારની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. વારંવાર સરકારી અધિકારીઓની ઓળખનો દુરુપયોગ થતો હોવા છતાં આવા કૃત્યો પાછળ સંડોવાયેલા શખસો સુધી પહોંચવાનો પડકાર યથાવત્ છે. હાલના કિસ્સામાં મનપાએ ફરિયાદ નોંધાવી છે ત્યારે સાઈબર ક્રાઈમ વિભાગની તપાસમાં નકલી પ્રોફાઇલ બનાવનાર વ્યક્તિ કોણ છે અને તેનો હેતુ શું હતો તે તપાસ બાદ જ સામે આવી શકશે.
