Surat: વિરમગામ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોગના કેસમાં મોટી રાહત મળી છે. હકીકતમાં સુરત સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર નેતાઓને રાજદ્રોહના કેસમાંથી મુક્ત કર્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પાટીદાર અનામત આંદોલન સમયે સુરતના અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો.
આ કેસમાં હાર્દિક પટેલ સહિતના આરોપીઓ તરફે એડવોકેટ યશવંતવાળા દ્વારા કાયદાકીય રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ગુજરાત સરકાર દ્વારા આ તમામ કેસ પરત ખેંચવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજી સુરત સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખીને તમામ આરોપીઓને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ આપી છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચરમ પર હતુ, ત્યારે સુરતના એક પાટીદાર યુવક વિપુલ દેસાઈએ આપઘાત કરવાની વાત કરી હતી. આ સમયે હાર્દિક પટેલે વિપુલ દેસાઈને મળ્યો હતો, જ્યાં તેણે કહ્યું હતું કે, આપઘાત શું કરવાનો, મરવું હોય તો પહેલા બે-ચાર પોલીસ વાળાને મારી નાંખો. પાટીદારનો દીકરો ક્યારેય મરે નહીં. હાર્દિક પટેલના આ નિવેદનને લઈને અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
હાર્દિક પટેલ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
અગાઉ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણ મામલે હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ સામે બે વાર ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યાં હતા, પરંતુ હાર્દિક પટેલ હાજર ના રહીને વોરન્ટ રદ્દ કરાવવા માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જ્યાં હાર્દિક પટેલે નીચલી કોર્ટમાં હાજર રહેવાની બાંહેધરી આપતા ધરપકડ વોરંટ રદ્દ કરવામાં આવ્યું હતુ.
