Ind Vs SA T20: બપોરે 3 વાગ્યાથી જનપથ ટીથી સ્ટેડિયમ સુધીનો રોડ વાહનો માટે બંધ, ક્રિકેટ ફેન્સની સુવિધા માટે રૂટ પર 36 એક્સ્ટ્રા BRTS બસ દોડાવાશે

મેચ પછી દર્શકોને સ્ટેડિયમથી વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા માટે વધારાની 10 બસો તૈનાત. જેમાં ઇસ્કોન–વિસત જંકશન, એલ.ડી./નેહરુનગર–વિસત અને અખબારનગર–વિસત જંકશન જેવા મુખ્ય રૂટનો સમાવેશ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Dec 2025 07:10 PM (IST)Updated: Thu, 18 Dec 2025 07:10 PM (IST)
ahmedabad-news-36-extra-brts-bus-run-for-cricket-fans-due-to-ind-vs-sa-t20-at-narendra-modi-stadium-motera
HIGHLIGHTS
  • બપોરે 3 થી રાતે 2 વાગ્યા સુધી વાહનોની અવરજવર બંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ
  • જો કે વાહન ચાલકો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે

Ahmedabad: શહેરના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચ (Ind Vs SA T20) રમાવવાની છે. આ દરમિયાન ક્રિકેટ રસિકોને કોઈ તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ટ્રાફિકની સમસ્યા ના સર્જાય, તે માટે સ્ટેડિયમ સુધીના રસ્તા પર વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ મેટ્રો અને BRTSની બસોની સંખ્યા પણ વધારવામાં આવી છે.

19 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર IND v/s SA T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિ. (BRTS) દ્વારા મેચ દર્શકોની સુવિધા માટે વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેચ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ તરફ આવનજાવન કરશે તેવા અનુમાનને ધ્યાને લઈ મોટેરા સ્ટેડિયમ નજીકના વિવિધ વિસ્તારોમાંથી વિશેષ બસ સેવા ઉપલબ્ધ કરાશે.

આ યોજના અંતર્ગત મોટેરા ક્રોસ રોડ, સાબરમતી પોલીસ સ્ટેશન સહિતના સ્થળોથી વધારાની બસ સેવાઓ શરૂ કરવામાં આવશે. કુલ 36 વધારાની બસો મેચના દિવસ દરમિયાન સંચાલિત કરવામાં આવશે, જેમાં સવારના 6:00 કલાકથી રાત્રિના 11:00 કલાક સુધી સેવા ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ દર્શકોને મોટેરા સ્ટેડિયમથી વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા માટે વધારાની 10 બસો તૈનાત કરવામાં આવશે. જેમાં ઇસ્કોન–વિસત જંકશન, એલ.ડી./નેહરુનગર–વિસત અને અખબારનગર–વિસત જંકશન જેવા મુખ્ય રૂટનો સમાવેશ થાય છે.

મેચના દિવસે ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે ટ્રાફિક પોલીસ, સુરક્ષા અધિકારીઓ તથા સ્વયંસેવકો દ્વારા સંકલિત કામગીરી હાથ ધરવામાં આવશે. આમ, દર્શકોને સરળ, સલામત અને સુવિધાજનક પરિવહન સેવા મળી રહે તે માટે BRTS દ્વારા તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

બપોરે 2 વાગ્યાથી જનપથ ટીથી સ્ટેડિયમ સુધીનો રોડ વાહનો માટે બંધ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચના પગલે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ તેમજ VVIP સહિતના લોકો આવવાના હોવાથી તકેદારીના ભાગરૂપે આવતીકાલે બપોરે 3 વાગ્યાથી મોડી રાત 2 વાગ્યા સુધી સ્ટેડિયમની આસપાસના તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ રહેશે. જેમાં જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મેઈન ગેટ થઈ કૃપા રેસિડન્સી થઈ મોટેરા ગામ સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. જો કે વાહન ચાલકો આ દરમિયાન વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે.