સુરત અને નવસારીમાં દશેરા પર્વની ઉજવણી, વેસુમાં ગુજરાતના સૌથી ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું

કાલે ભરૂચ જિલ્લાના દહેજમાં ગુજરાતભરના 442 કેસમાં પકડાયેલ 381 કરોડની કિંમતનું 8 હજાર કિલો ડ્રગ્સ નાશ કરવામાં આવશે: હર્ષ સંઘવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Oct 2025 11:40 PM (IST)Updated: Thu, 02 Oct 2025 11:40 PM (IST)
surat-news-vesu-and-navsari-held-ravan-dahan-on-ocassion-of-vijayadashami
HIGHLIGHTS
  • નવસારીમાં સૌ પ્રથમ વખત રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
  • હર્ષ સંઘવીએ સૌને દશેરા પર્વની શુભકામના પાઠવી

Surat: અસત્ય પર સત્યના વિજય પર્વ વિજયા દશમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત અને નવસારીમાં પણ વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરમાં 70 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સુરત શહેર અને નવસારીમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં આદર્શ રામ લીલા ટ્રસ્ટ દ્વારા રાવણ વેસુ વિસ્તારમાં દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 70 ફૂંટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. આ સાથે જ ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોવા ઉમટી પડ્યા હતા.

આ તકે હર્ષ સંઘવીએ અધર્મ સામે ધર્મના વિજયના પ્રતિક દિવસ દશેરાની બધાને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, કાલે હું ભરૂચ જિલ્લાના દહેજમાં ડ્રગ્સ વિરોધ ચાલતી આ લડાઈના એક ખુબ જ મહત્વપૂર્ણ આંદોલનમાં જોડાવવાનો છું. જ્યાં 442 કેસોમાં પકડાયેલ 8 હજાર કિલો ડ્રગ્સ જેની કિંમત 381 કરોડ રૂપિયા છે, એ ડ્રગ્સને ખાખમાં મિલાવી દેવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. કાલે હું પોતે રાજ્યના પોલીસ દળ જોડે આ ડ્રગ્સને બાળવા માટે દહેજ જઈ રહ્યો છું.

નવસારીમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો
નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર ધર્મ તથા સત્યની જીતના પ્રતિકરૂપે ભવ્ય રીતે ઉજવાયો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુંસીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 ઓક્ટોબર, 2025ના રોજ સાંજે 7 વાગ્યે યોજાયેલા આ ઐતિહાસિક રાવણ દહન પ્રસંગે શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ અવસરે ધારાસભ્ય, કમિશનર, ડીડીઓ તથા સમાજના આગેવાનોની આગવી ઉપસ્થિતિ રહી. અંદાજે 4000 જેટલા નાગરિકોએ ઉપસ્થિત રહી ધર્મના વિજયનું આ અનોખું દ્રશ્ય નિહાળ્યું હતું. રાવણ દહન બાદ ઝગમગતી આતશબાજીથી સમગ્ર આકાશ ઉજ્જવળ થઈ ઉઠ્યું. નવસારીના ઇતિહાસમાં સૌપ્રથમવાર આટલી ભવ્યતા સાથે યોજાયેલા આ કાર્યક્રમને શહેરજનોએ યાદગાર બનાવ્યો હતો.