Junagadh, Gujarat Rain Data: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત માથેથી પસાર થઈ રહી હોવાથી રાજ્યમાં તોફાની વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. જેના પગલે છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢમાં સતત પાંચમા દિવસે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક 3 ઈંચ જેટલો વરસાદ
આજે આખા દિવસ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 77 મિ.મી (3.03 ઈંચ) વરસાદ વંથલી તાલુકામાં નોંધાયો છે. આ સિવાય જિલ્લાના મેંદરડામાં 57 મિ.મી (2.24 ઈંચ), જૂનાગઢ શહેર-ગ્રામ્યમાં 54-54 મિ.મી (2.13 ઈંચ), કેશોદમાં 45 મિ.મી (1.7 ઈંચ), માળિયા હાટીનામાં 38 મિ.મી (1.5 ઈંચ), વિસાવદરમાં 35 મિ.મી (1.3 ઈંચ),માણાવદરમાં 32 મિ.મી (1.26 ઈંચ), ભેંસાણમાં 23 મિ.મી, માંગરોળમાં 27 મિ.મી. વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો
વિસાવદરમાં આકાશમાંથી વીજળી ત્રાટકતા ટ્રેક્ટર બળીને ભસ્મીભૂત
જૂનાગઢમાં આસોમાં અષાઢી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વિસાવદરમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન જેતલવડ ગામના ખેતરમાં રહેલા ટ્રેક્ટર પર આકાશમાંથી કડાકા સાથે વીજળી પડી હતી. જેના કારણે આખું ટ્રેક્ટર બળીને રાખ થઈ ગયું હતુ. આ મામલે ગામના સરપંચે સરકાર સમક્ષ સહાયની માંગ કરવામાં આવી છે.
નદી-નાળા છલકાયા, રસ્તા પર નદીઓ વહી
જૂનાગઢમાં સતત પડી રહેલા વરસાદના કારણે જૂનાગઢની જીવાદોરી સમાન વેલિંગ્ટન ડેમ ઑવરફ્લો થયો છે. જ્યારે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ચોટીલામાં બે કલાકમાં જ 3 ઈંચથી વધુ ધોધમાર વરસાદ ખાબક્યો
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 22 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 5 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલામાં સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં જ 3 ઈંચથી વધુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય આજે મોરબીમાં 48 મિ.મી, અમરેલીના કુકાવાવમાં 40 મિ.મી, કચ્છના અંજારમાં 40 મિ.મી તેમજ રાજકોટના ગોંડલમાં 40 મિમી વરસાદ વરસ્યો છે.
