પરેશ ગોસ્વામીની આગાહીઃ ચોમાસાની વિદાય વખતે વેધર સાયકલ ખોરવાઈ, ગુજરાતમાં 7 ઓક્ટોબરથી 3 દિવસ ફરીથી વરસાદની વકી

આજે રાતથી જ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને કાલે 3 ઓક્ટોબરથી ધીમે-ધીમે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Oct 2025 09:55 PM (IST)Updated: Thu, 02 Oct 2025 09:55 PM (IST)
paresh-goswami-ni-agahi-weather-cycle-disturb-rain-from-7th-to-9th-october
HIGHLIGHTS
  • ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી
  • આજે ગુજરાતના 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

Paresh Goswami Ni Agahi: કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હતી. જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત માથે આવતા મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસને બ્રેક વાગી ગઈ હતી. જેના પરિણામે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગુજરાતમાં તોફાની વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. જે બાદ આવતીકાલથી ધીમે-ધીમે ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસું વિદાય લઈ શકે છે.

આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આપણી વેધર સાયકલ ખોરવાઈ ગઈ હોવાથી આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં પણ અષાઢી માહોલ છવાયેલો રહ્યો છે. ગત સપ્તાહે બંગાળની ખાડીમાંથી એક મજબૂત સિસ્ટમ ગુજરાત પર આવી હતી. જેના કારણે રાજ્યના 50 થી 60 કા ભાગમાં સારો એવો વરસાદ વરસ્યો હતો.

હાલ આ સિસ્ટમ દ્વારકાથી 170 કિલોમીટર પશ્ચિમ દિશામાં આગળ વધી ગઈ છે. જો કે તેના આઉટર ક્લાઉડ હજુ પણ ગુજરાતને અસર કરી રહ્યા છે. આથી આજે મોડી રાત પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે.

જો કે આવતીકાલથી જ તડકો નહીં નીકળે, પરંતુ આગામી ત્રણેક દિવસ સુધી ગુજરાતના કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે.

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, હાલ ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી. આવતીકાલે 3 ઓક્ટોબરથી ધીમે-ધીમે ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. આમ છતાં આગામી 7 થી 9 ઓક્ટોબર એમ 3 દિવસ દરમિયાન છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે.

આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર
સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં ગુજરાતના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 74 મિ.મી (2.9 ઈંચ), મેંદરડામાં 57 મિ.મી (2.24 ઈંચ), જૂનાગઢમાં 54 મિ.મી (2.13 ઈંચ), રાજકોટના ગોંડલમાં 40 મિ.મી, કચ્છના અંજારમાં 37 મિ.મી (1.4 ઈંચ), જૂનાગઢના વિસાવદરમાં 35 મિ.મી (1.3 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.