CBSE Scholarship For Girls: જો તમારે પણ સંતાનમાં એકમાત્ર દીકરી છે અને તે CBSE સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે, તો તમારા માટે એક મોટા ખુશખબર છે. હકીકતમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા એકેડેમિક યર 2025 માટે સિંગલ ગર્લ ચાઈલ્ડ મેરિટ સ્કોલરશિપ માટે અરજી મંગાવવાનું શરૂ કરી દીધું છે.
આ સ્કોલરશિપ એવી હોંશિયાર વિદ્યાર્થિનીઓને મળશે, જેમણે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કરી છે અને હવે CBSE સંલગ્ન સ્કૂલોમાં ધોરણ 11માં એડમિશન મેળવવા જઈ રહી છે.
આ યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને અભ્યાસ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો અને તેમને આર્થિક સહાય પૂરી પાડીને તેમનો અભ્યાસ જારી રાખવામાં મદદ કરવાનો છે.
બે વર્ષમાં 12 હજારની સ્કોલરશિપ મળશે
આ સ્કોલરશિપ અંતર્ગત પસંદગી પામેલ વિદ્યાર્થિનીને દર મહિને 500 રૂપિયાની આર્થિક સહાય પુરી પાડવામાં આવશે. આ સહાય ધોરણ 11 અને 12 એમ બે વર્ષ માટે રહેશે. એટલે કે વિદ્યાર્થિનીને બે વર્ષ સુધી દર મહિને 500 રૂપિયા મળતા રહેશે. આ સહાય થકી વિદ્યાર્થિનીને પોતાના અભ્યાસ સહિત અન્ય જરૂરી ખર્ચામાં મદદ મળી રહેશે.
અરજી કરવાની અંતિમ તારીખ
સિંગલ ગર્લ ચાઈલ્ડ મેરિટ સ્કોલરશિપ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ માટે ઈચ્છુક વિદ્યાર્થિનીઓએ આગામી 23 ઓક્ટોબર સુધી અરજી કરવાની રહેશે. જે બાદ કરવામાં આવેલી કોઈ પણ અરજી સ્વીકારવામાં નહીં આવે. આથી બને તેટલું વહેલું અરજી કરવું સારું રહેશે.
આ યોજના અંતર્ગત અરજી કરનાર વિદ્યાર્થિનીઓ માટે કેટલીક જરૂરી લાયકાત છે. જેમાં વિદ્યાર્થિની તેમના માતા-પિતાની એકમાત્ર સંતાન હોય. ધોરણ 10માં CBSE બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા મેળવ્યા હોય. વિદ્યાર્થિની CBSE સંલગ્ન સ્કૂલમાં ધોરણ 11માં રજીસ્ટર્ડ હોવી જોઈએ.
આ ઉપરાંત સ્કૂલની ટ્યુશન ફીસ ભારતીય વિદ્યાર્થિનીઓ માટે દર મહિને 1500 રૂપિયા અને NRI વિદ્યાર્થિનીઓ માટે 6 હજાર રૂપિયાથી વધારે ના હોવી જોઈએ. જો કે આ યોજના માટે માત્ર ભારતીય નાગરિકો જ અરજી કરી શકે છે.
