CBSE Merit Scholarship For Single Girl Child: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા 'સિંગલ ગર્લ ચાઈલ્ડ' માટે એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. હકીકતમાં CBSE દ્વારા એવી વિદ્યાર્થિનીઓ માટે 'સિંગલ ગર્લ ચાઈલ્ડ મેરિટ સ્કોલરશિપ સ્કીમ'ની (CBSE Single Girl Child Scholarship) શરૂઆત કરવામાં આવી છે, જે પોતાના માતા-પિતાની એકમાત્ર સંતાન છે અને ભણવામાં હોંશિયાર છે.
CBSE દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્કૉલરશિપ સ્કીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
બે કેટેગરીમાં મળશે સ્કૉલરશિપ
CBSE તરફથી સિંગલ ગર્લ ચાઈલ્ડ મેરિટ સ્કૉલરશિપ સ્કીમને બે કેટેગરીમાં શરૂ કરવામાં આવી છે. જે પૈકી પહેલી કેટેગરી અંતર્ગત એવી વિદ્યાર્થિનીઓ સ્કૉલરશિપ સ્કીમ માટે અરજી કરવા પાત્ર છે, જેમણે CBSEમાંથી 2025માં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હોય અને હાલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરી રહી હોય.
જ્યારે બીજી કેટેગરી અંતર્ગત એવી વિદ્યાર્થિનીઓ આ સ્કૉલરશિપ મેળવવા માટે હક્કદાર છે, જેમણે ગત વર્ષે એટલે કે ધોરણ 10માં સ્કોલરશિપ પ્રાપ્ત કરી હતી અને ફરીથી સ્કૉલરશિપ માટે અરજી કરવા માંગે છે.
અરજી કરવા માટે જરૂરી લાયકાત
CBSEની આ સ્કોલરશિપમાં અરજી કરવા માટેની લાયકાત જોઈએ, તો વિદ્યાર્થિનીઓએ CBSE માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 10ની પરીક્ષામાં ઓછામાં ઓછા 70 ટકા માર્ક્સ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. આ સાથે જ અરજકર્તા ધોરણ 11 અથવા 12માં CBSE બોર્ડમાં અભ્યાસ કરતી હોવી જોઈએ.
આ ઉપરાંત અરજકર્તા વિદ્યાર્થિનીના પરિવારની વાર્ષિક આવક 8 લાખથી વધારે ના હોવી જોઈએ. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ટ્યૂશન ફી દર મહિને 2500 રૂપિયાથી વધુ તેમજ ધોરણ 11 અને 12ની વિદ્યાર્થિનીઓની ટ્યૂશન ફી દર મહિને 3 હજારથી વધારે ના હોવી જોઈએ.
