VISWAS Project Gujarat: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ કરવા તથા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા સત્તાવાર અહેવાલ મુજબ, VISWAS (Video Integration and State-wide Advanced Security) પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં સીસીટીવી કેમેરાના વ્યાપ અને સુરક્ષા વ્યવસ્થાને સુદ્રઢ કરવામાં આવી રહી છે. કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગૃહમાં આ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
કયા જિલ્લામાં કેટલા કેમેરા લગાવાયા?
મંત્રીશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 'વિશ્વાસ' પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ વર્તમાન સ્થિતિએ સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવા માટે બે મહત્વના જિલ્લાઓમાં મોટાપાયે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લો: કુલ 452 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લો: કુલ 316 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
આ આધુનિક સર્વેલન્સ નેટવર્ક અંતર્ગત શહેરોના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને તમામ મહત્વના જાહેર સ્થળોને કવર કરવામાં આવ્યા છે, જેથી શંકાસ્પદ ગતિવિધિઓ પર સીધી નજર રાખી શકાય.
'નેત્રમ' અને 'ત્રિનેત્ર' કમાન્ડ સેન્ટર સાથે લાઈવ સિંક્રોનાઈઝેશન
આ તમામ આધુનિક કેમેરાઓને ટેક્નોલોજીના માધ્યમથી અત્યાધુનિક કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા છે.
નેત્રમ (NETRAM): જિલ્લા કક્ષાનું નેટવર્ક્ડ ઇમરજન્સી ટ્રાફિક એન્ડ રિસ્પોન્સ અસેસમેન્ટ સિસ્ટમ (Command & Control Centre).
ત્રિનેત્ર (TRINETRA): રાજ્ય સ્તરનું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (i3C).
તમામ કેમેરાનું લાઈવ સિન્ક્રોનાઈઝેશન આ બંને કમાન્ડ સેન્ટર સાથે હોવાના કારણે ટ્રાફિક નિયંત્રણ, શંકાસ્પદ વાહનોનું ટ્રેકિંગ, ગુનાઓનું ત્વરિત નિવારણ અને જાહેર સુરક્ષા વધુ મજબૂત બની છે.
