Surat: શહેરના ઉધના વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના કાર્યકરની ઘાતકી હત્યાના ચકચારી કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાંવમાં સ્પેશિયલ સર્ચ ઑપરેશન હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા ત્રણેય હત્યારાઓને દબોચી લીધા છે.
શું છે સમગ્ર મામલો?
ગત રવિવારે ભાજપ યુવા મોરચાના કાર્યકર જય દલાલ (21) પોતાના મિત્રો સાથે ઉધના રોડ નંબર-6 પર ભંગારની દુકાન પાસે ઉભો હતો. આ સમયે જૂની અદાવતમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંન્દ કોળી નામના યુવકોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને જય દલાલની ઘાતકી હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.
આ મામલે મૃતક જયની માતા જયશ્રીબેને ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધીને અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જે અંતર્ગત ઉધના પોલીસની ટીમે બાતમીદારો અને ટેક્નીકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રના જલગાંવામાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતુ. આ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી મિલિન્દ કોળીને ગઈકાલે ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની મદદગારી કરનારા સાગરિતો શુભમ પાટીલ અને રોહિત સોનવણેને પણ આજે ઝડપી પાડ્યા હતા. આ સિવાય અન્ય ફરાર સહ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૃતક અને હત્યારા પહેલા મિત્રો હતા. જો કે 2025માં પૈસાની લેવડ-દેવડને લઈને માથાકૂટ થતાં આરોપીઓને પાસા થયા હતા. આ બાબતની અદાવત રાખીને તેમણે જય દલાલની હત્યા કરી હતી.
મુખ્ય આરોપી નવલ કોળીનું મૂળ વતન જલગાંવ છે, પરંતુ તે ડીંડીલોમાં રહેતો હતો. જયની હત્યા કર્યાં બાદ નવલ અન્ય આરોપી કિશનને લઈને ત્યાં ભાગી ગયો હતો. મિલિન્દ કોળી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
આરોપી મિલિન્દે પોલીસ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું કે, અમારો ઈરાદો જયને મારી નાંખવાનો નહતો. જૂની ખટરાગને લઈને ધમકી આપીને માર મારીને પોતાની ધાક જમાવવા માટે હુમલો કર્યો હતો, જેમાં જયનું મોત થઈ ગયું હતુ. જયની હત્યા બાદ તેઓ મોપેડ લઈને હાઈવે પર નીકળી ગયા હતા. જ્યાંથી ટ્રકમાં મોપેડ મૂકીને પોતાના વતન જલગાંવ જતા રહ્યા હતા.
