ઉધના ડબલ મર્ડરનું ભયાનક દ્રશ્ય: ઘરમાં લોહીના ખાબોચિયામાં યુવક-યુવતીની લાશો પડી હતી, જ્યારે બાજુમાં મહિલા રક્તરંજિત હાલતમાં કણસતી હતી

2021માં સાળી સુરતમાં નોકરી કરવા માટે આવી, ત્યારે બનેવી સાથે રોજ અવરજવર કરતી હોવાથી બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ બાબતની જાણ થતાં પરિવારે સાળીને પ્રયાગરાજ બોલાવી લીધી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 10 Oct 2025 04:37 PM (IST)Updated: Fri, 10 Oct 2025 04:37 PM (IST)
surat-news-udhana-double-murder-case-husband-kiled-in-laws-in-front-of-wife-eyes
HIGHLIGHTS
  • 'તમે મારી બહેન સાથે દગો કર્યો, હું લગ્ન ના કરું'- કહેતા યુવકનો ખૂની ખેલ
  • 'મમતા, મારી નહીં તો કોઈની નહીં.!'- કહી યુવક ચાકુ વડે સાળા-સાળી પર તૂટી પડ્યો

Surat: શહેરના ઉધના વિસ્તારમાં અનૈતિક સબંધોના કારણે ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં બનેવીએ આડેધડ છરીના ઘા ઝીંકીને સાળા અને સાળીને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જ્યારે વચ્ચે બચાવવા પડેલી સાસુને પણ છરી હુલાવી દેતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે આરોપીને ઉધના સ્ટેશનથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાળી સાથે લગ્ન કરવાની જીદ કરતો બનેવી જમ બન્યો
મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો વતની સંદિપ ગૌડ (32) ઉધના સ્થિત જલારામનહરમાં પોતાની પત્ની અને ત્રણ સંતાનો સહિતના પરિવાર સાથે રહે છે. ગત 4 ઓક્ટોબરના રોજ સંદિપની સાળી મમતા (25), સાળો નિશ્ચય કશ્યમ (30) અને સાસુ શકુંતલાબેન સુરત આવ્યા હતા. સાળા નિશ્ચયના ડિસેમ્બર મહિનામાં લગ્ન લીધા હોવાથી ખરીદી કરવા માટે પરિવાર સુરત આવ્યો હતો.

જ્યાં સંદિપે પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈને સાળી મમતા સાથે લગ્ન કરવાની જીદ કરી હતી. જો કે સાળીએ લગ્નનો સ્પષ્ટ ઈન્કાર કરતાં સંદિપ રોષે ભરાઈ ગયો હતો અને 'મમતા મારી નહીં થાય, તો તેને બીજા કોઈની નહીં થવા દઉં' કહીએ ધારદાર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ સમયે સાળો નિશ્ચય અને સાસુ શકુંતલા વચ્ચે પડતાં તેમના પર પણ ચાકુથી હુમલો કર્યો હતો. જેમાં સાળી અને સાળાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે સાસુ ઈજાગ્રસ્ત થયા છે.

બીજી તરફ બનાવની જાણ થતા ઉધના પોલીસની ટીમ, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા દરમ્યાન ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં સાળા નિશ્ચય અને સાળી મમતાને ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. ડબલ મર્ડરની આ ઘટનાને લઈને ઉધના પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી સંદીપ ધનશ્યામ ગૌડને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.

naidunia_image

પોલીસ પહોંચી ત્યારે રક્તરંજિત બે લાશો ઘરમાં પડી હતી
DCP કાનન દેસાઈએ જણાવ્યું કે, 8 ઓક્ટોબરે રાતે 10 વાગ્યે કંટ્રોલ રૂમમાં ફોન આવતા અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં રક્તરંજિત હાલતમાં એક યુવક અને યુવતીની લાશ પડી હતી. જ્યારે અન્ય એક મહિલાને પણ લોહીથી લથપથ હતી. આથી 108ની મદદથી ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તમે મારી બહેન સાથે વિશ્વાસઘાત કર્યો છે, હું લગ્ન નહીં કરું
આ ઘટનામાં હત્યારા સંદિપ ગૌડે પત્ની સમક્ષ જીદ કરી હતી કે, તે તેની નાની બહેન એટલે કે સાળી જોડે લગ્ન કરવા માંગે છે. જ્યારે સાળી સહિતનો પરિવાર પ્રયાગરાજથી સુરત આવ્યો, ત્યારે પણ સંદિપે પત્નીને ડિવોર્સ આપીને સાળી જોડે લગ્નની વાત કરી હતી.

જો કે સાળી મમતાએ લગ્નની ચોખ્ખી ના પાડતા જણાવ્યું કે, તમે મારી બહેન સાથે વિશ્વાસઘાત કર્યો છે. આથી હું તમારી સાથે લગ્ન નહીં કરું. આથી માથે ખૂન સવાર થતાં સંદિપ ગૌડે ધારદાર ચપ્પુ વડે ખૂની ખેલ ખેલ્યો હતો.

4 વર્ષ અગાઉ સાળી અને બનેવી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા
2021માં મમતા નોકરી માટે સુરત ખાતે રહેતી બહેનના ઘરે રહેવા આવી હતી. જ્યાં બનેવી સંદિપે તેને પોતાની સાથે જ પ્રાઈવેટ ફર્મમાં નોકરી અપાવી દીધી હતી. જે બાદ બન્ને સાથે અવરજવર કરતાં હોવાથી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે પાછળથી પરિવારજનોને ખબર પડતાં સાળી મમતાને વતન પ્રયાગરાજ બોલાવી લેવામાં આવી હતી.