Bharuch: ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને બેંક એકાઉન્ટના KYC અપડેટના બહાને છેતરપિંડી કરનારી આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ઝારખંડના જામતાડા વિસ્તારથી ઝડપી પાડ્યો છે.
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 319(2), 318(4) તથા આઇટી એક્ટની કલમ 66(C) અને 66(D) મુજબ ગુનો નોંધાયો હતો.
આ કેસના ફરીયાદી સાથે એક્સિસ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપનારા શખ્સે Axis Bank Pan Card Update.apk એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી આધાર, પાનકાર્ડ અને બેંક ડિટેલ મેળવી તેની પર્સનલ લોન પર વધારાની ટોપ-અપ લોન લઇ રૂ. 5.48 લાખની છેતરપિંડી કરી હતી.
સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેના પરિણામે ટીમે મુખ્ય આરોપી રાજેશ મંડલને ઝારખડ થી ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં પણ સાયબર ફ્રોડના અનેક ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
આરોપી રાજેશ મંડલ અને તેની ટીમ વિવિધ એપ્લિકેશનો E-Challan, RTO, PM-Kisan, SBI-KYC, AXIS-KYC બનાવી વોટ્સએપ મારફતે લોકોને APK ફાઇલ મોકલી બેંક KYC અપડેટના બહાને વ્યક્તિગત માહિતી મેળવીને નેટબેન્કિંગ એક્સેસ મેળવી રૂપિયા ટ્રાન્સફર કરતા હતા.
ભરૂચ પોલીસએ આરોપીના કબજામાંથી રૂ. 20,000 કિંમતનો iPhone XR મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આરોપીને ભરૂચ કોર્ટમાં રજુ કરી 13 ઓક્ટોબર 2025 સુધીનો પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યો છે.
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નાગરિકોને ચેતવણી અપાઈ છે કે, કોઈ અજાણી લિંક અથવા APK ફાઇલ ઇન્સ્ટોલ ન કરવી અને બેંક સંબંધિત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વહેંચવી નહીં.
