વાગરાના ભેરસમ નજીક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર પલટી ગયું, કેબિનના ફુરચેફુરચા ઉડ્યા; વાહન વ્યવહાર ખોરવાયો

અકસ્માત પાછળનું ચોક્કસ કારણ અને વાહન સલામતીના નિયમોનું પાલન કરીને જઈ રહ્યું હતું કે નહીં, તે અંગે પુષ્ટિ થવાની બાકી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 25 Oct 2026 03:41 PM (IST)Updated: Sun, 25 Oct 2026 03:41 PM (IST)
bharuch-vagra-bhersam-chemical-waste-tanker-accident-saiykha-gidc

Bharuch News: વાગરા તાલુકાના ભેરસમ વસાહત નજીક કેમિકલ વેસ્ટ ભરેલું એક ટેન્કર અચાનક પલટી મારી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. નાળા સાથે ટેન્કર એટલી જોરદાર રીતે અથડાયું અને અકસ્માતની તીવ્રતાના કારણે ટેન્કરની કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો અને તેના ટાયર પણ છૂટા પડીને દૂર ફેંકાઈ ગયા હતા.

ભીષણ અકસ્માત અને અફરાતફરીનો માહોલ

પ્રાથમિક વિગતો અનુસાર, સાયખા GIDC તરફ જઈ રહેલું કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ભેરસમ નજીકથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં ટેન્કર નાળા સાથે અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે નજીકમાં ઊભેલા એક ટ્રેક્ટરને પણ ટેન્કરે લપેટમાં લેતા ટ્રેક્ટરને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત થતાં જ માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

મુખ્ય રસ્તાની વચ્ચોવચ ટેન્કર પલટી મારી ગયું હોવાથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો અને અન્ય વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ સૌથી મોટો સવાલ કેમિકલ વેસ્ટના પ્રકાર અંગે ઉભો થયો છે. ટેન્કરમાં કયા પ્રકારનું કેમિકલ હતું, અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું અને વાહન સલામતીના નિયમોનું પાલન કરીને જઈ રહ્યું હતું કે નહીં, તે અંગે સત્તાવાર તંત્ર દ્વારા પુષ્ટિ થવાની બાકી છે.

આ ઘટનાને પગલે સંબંધિત તંત્ર દ્વારા કેમિકલના પ્રકાર, ટેન્કરની સ્થિતિ અને સંભવિત પર્યાવરણીય નુકસાન અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે. કોઈ મોટી દુર્ઘટના કે પર્યાવરણીય હોનારત સર્જાય તે પહેલા કેમિકલ વેસ્ટનું વહન કરતાં વાહનોની નિયમિત ચકાસણી અને કડક કાયદાકીય અમલવારી કરાવવી અત્યંત અનિવાર્ય છે.